સીએએ અને કલમ 370ના મુદ્દે કોઈ પાછીપાની નહીં : મોદી

સીએએ અને કલમ 370ના મુદ્દે કોઈ પાછીપાની નહીં : મોદી
વારાણસીની મુલાકાત દરમિયાન વડા પ્રધાને કર્યું 1200 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ
નવી દિલ્હી, તા. 16 : નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) ઉપર ચાલી રહેલા વિવાદ અને શાહીનબાગ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સીએએની અમલવારીના નિર્ણય ઉપર અડગ રહેશે. સંસદીય ક્ષેત્ર વારાણસીના બીજા પ્રવાસ ઉપર 1200 કરોડની સોગાત આપ્યા બાદ પીએમએ કહ્યું હતુંકે, સીએએ અને આર્ટિક 370 અંગેના નિર્ણય જરૂરી હતા અને તમામ દબાણ છતા પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. આ સાથે વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ ખાતરી આપવા માગે છે કે નિર્ણય ઉપર ભવિષ્યમાં પણ કાયમ રહેશે. 
સીએએનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મહાકાલના આર્શિવાદથી લાંબા સમયથી અટવાયેલા ફેંસલા લેવામાં સક્ષમ બન્યા હતા. 
આર્ટિક 370 હોય કે સીએએ તમામ દબાણ છતા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને મહાકાલના આર્શિવાદથી તમામ ફેંસલા ઉપર ભવિષ્યમાં પણ પોતે કાયમ રહેશે તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.  સીએએ મુદ્દે તમામ વિરોધ પ્રદર્શન છતા પણ ગૃહમંત્રી અમિત શાહ કહી ચુક્યા છે કે સરકાર સીએએ મુદ્દે પીછેહટ કરવાની નથી. 
રામ મંદિરનોઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રામ મંદિરનો વિષય દશકાઓથી અદાલતમાં હતો. હવે મંદિર નિર્માણનો રસ્તો બની ચૂક્યો છે. સરકારે ટ્રસ્ટના નિર્માણની ઘોષણા કરી છે. જે મંદિર નિર્માણના કાર્યની દેખરેખ કરશે. 
અયોધ્યામાં રામ મંદિર સંબંધિત વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 67 એકર જમીન પણ ટ્રસ્ટને જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ટુંક સમયમાં અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર તૈયાર થઈ જશે. 
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શૈવ સમૂદાયના જંગમવાડી મઠે પહોંચ્યા હતા. ત્યારબાદ ચંદૌલીમા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 63 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ વારાણસીમા લગભગ 1200 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. જેમાં કાશીથી મહાકાલેશ્વર અને ઓંકારેશ્વર જોડતી કાશી-મહાકાલ એક્સપ્રેસને પણ લીલીઝંડી બતાવી હતી. 
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer