નફિસા અલીની મદદે પહોંચ્યા ગોવાના મુખ્ય પ્રધાન

નફિસા અલીની મદદે પહોંચ્યા ગોવાના મુખ્ય પ્રધાન
પીઢ અભિનેત્રી નફિસા અલી કેન્સર સર્વાઈવર છે. તેઓ ગોવા પોતાની દીકરીને મળવા ગયા હતા અને લોકડાઉનને પગલે ત્યાં અટવાઈ ગયા છે. ઉત્તર ગોવાના મોરજીમ ગામમાં રહેલા નફિસાએ ગઈકાલે જણાવ્યું હતું કે, તેમની પાસે ખાવાપીવાનું અને દવાઓ કશું જ નથી. થોડા સમય અગાઉ જ તેઓ કેન્સરમાંથી બેઠા થયા હોવાથી ચોક્કસ દવાઓ નિયમિત લેવાની હોય છે. પરંતુ તેઓ પોતાની સાથે જે દવાઓનો સ્ટોક લાવ્યા હતા તે પૂરી થઈ છે અને હવે લોકડાઉનને દવાઓ તથા શાક કે ફળો કશું જ મળતું નથી. નફીસાની આ સ્થિતિ વિશે ગોવા સરકારને જાણ થતાં મુખ્ય પ્રધાને તાત્કાલિક સરકારી અધિકારીઓને મોકલ્યા હતા. મુખ્ય પ્રધાને ટ્વીટમાં જણાવ્યું હતું કે, સ્થાનિક કમાન્ડરે તેમનો સંપર્ક કર્યો છે અને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે.
નફીસાએ કહ્યું કે, લૉકડાઉનનું પહેલું સપ્તાહ તો એકદમ મુશ્કેલ હતું. ગોવાની હાલત અત્યંત ખરાબ હતી. પાણી, શાક કે રેશનમાંથી કશું જ મળતું નહીં. હવે શાકભાજીની દુકાનો ખુલી છે. પરંતુ કોઈ ઘરની બહાર નીકળી શકતું નથી કેમ કે પોલીસ દંડા મારે છે. મારી કેન્સરની સારવારના ભાગરૂપે કેટલીક દવાઓ નિયમિત લેવાની હોય છે. અહીં તે મળતી નથી અને કુરિયર સર્વિસ બંધ છે એટલે દિલ્હીથી મગાવી શકાતી નથી. જો કે, વર્તમાન સંજોગો જ એવા છે જેમાં સૌ લાચાર છે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer