ઘઉંની લણણી માટે નથી મળી રહ્યા મજૂરો, ખેડૂતોની ચિંતા વધી

ઘઉંની લણણી માટે નથી મળી રહ્યા મજૂરો, ખેડૂતોની ચિંતા વધી
વ્યાપાર માટે વિશેષ  
નવી દિલ્હી, તા. 3 એપ્રિલ
ઘઉં ઉત્પાદક ખેડૂતો પર પહેલા હવામાનની માર, હવે કોરોના વાયરસે ફટકો માર્યો છે. માર્ચમાં પડેલા કમૌસમી વરસાદથી ઘઉંના પાકને નુકસાન થયું છે, તો દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે અત્યાર સુધી કમ્બાઇન હાર્વેસ્ટર આવ્યા નથી, સાથે જ ઘઉંની લણણી માટે મજૂરો પણ મળ્યા રહ્યા નથી આથી ખેડૂતો સામે મુશ્કેલીઓ સર્જાઇ છે.  
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઘઉંની લણણી શરૂ થઇ ચૂકી છે જ્યારે પંજાબ હરિયાણા અને ઉતરપ્રદેશમાં લણણી માર્ચના અંત શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે માર્ચમાં પડેલા કમૌસમી વરસાદ, ભારે પવન અને કરા પડવાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. વરસાદની સાથે જ ભારે પવન ચાલતા ખેતરોમાં ઉભો પાક નીચે પડી ગયો છે જેની અસર ઉત્પાદકતાની સાથે જ ઉત્પાદન ઉપર થવાની આશંકા છે. 
દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે જ ઘઉંની પ્રાપ્તિ હરિયાણાએ 20 દિવસ અને પંજાબે 15 દિવસ માટે વિલંબિત કરી છે. સામાન્ય રીતે આ રાજ્યોમાં ઘઉંની પ્રાપ્તિ 1લી એપ્રિલથી શરૂ થઇ જાય છે જ્યારે આ વખતે હરિયાણામાં 20 એપ્રિલ અને પંજાબમાં 15 એપ્રિલથી પ્રાપ્તિ શરૂ થશે. હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાના તહસીલના ખેડૂત રાજેશ કુમારે કહ્યું કે તેમણે આઠ એકરમાં ઘઉંનું વાવેતર કર્યું છે. પાક પરિપક્વ થઇને તૈયાર છે પરંતુ અત્યાર સુધી કમ્બાઇન આવ્યા નથી. બિહાર અને ઉત્તરપ્રદેશના મજૂરો પોતાના ગામડે જતા રહ્યા છે. તથા ગામના મજૂરો કોરોના વાયરસના કારણે લણણી કરી રહ્યા નથી. એવામાં તેમને નથી સમજાઇ રહ્યું કે આ વખતે ઘઉં લણણી કેવી રીતે થશે. ઘઉંની લણણીમાં વિલંબ થશે તો પાક ખેતરમાં જ પડી જશે. 
પંજાબના પરિયાળા જિલ્લાના તહસીલ સમાણાના ગામ બમણના ગુરમીત સિંહે કહ્યું કે, રાજ્યમાં કરફ્યુ લાગેલો છે. ગત સપ્તાહે જ રાજ્ય સરકારે ઘઉંની લણણી માટે કમ્બાઇન અને રેપર વગેરે બીજા રાજ્યોમાં લઇ જવાની મંજૂરી આપી છે. આથી અમે પણ પાસ બનાવવા માટે અરજી આપી છે. આમ પાસ બન્યા બાદ જ અમે ઘઉંની લણણી માટે હરિયાણામાં જઇ શકીશું. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉંની લણણી કમ્બાઇન મશિનો વડે કરે છે. કમ્બાઇન મશીનો મોટાભાગે પંજાબમાંથી આવે છે જો કે લોકડાઉનને કારણે અત્યાર સુધી આવી શક્યા નથી. પંજાબના કૃષિ સચિવ કાહન સિંહ પન્નુએ કહ્યું કે તમામ જિલ્લાના જિલ્લા અધિકારીએ નિર્દેશ જારી કર્યો છે કે કમ્બાઇન, રેપરની સાથે જ પાકની લણણીમાં ઉપયોગ થતા અન્ય મશીનોની માટે પાસ જારી કરવામાં આવે જેથી તેમને કોઇ મુશ્કેલી પડે નહીં. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer