ભારતીય ચોખાના ભાવ 3 મહિનાને તળિયે, થાઇલૅન્ડના સાડા છ વર્ષની ટોચે

ભારતીય ચોખાના ભાવ 3 મહિનાને તળિયે,  થાઇલૅન્ડના સાડા છ વર્ષની ટોચે
વ્યાપાર માટે વિશેષ  
નવી દિલ્હી તા. 3 એપ્રિલ
કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે ચોખાના અગ્રણી નિકાસકાર ભારતમાં દેશવ્યાપી લોકડાઉનથી ચોખાના નિકાસ ભાવ લગભગ ત્રણ મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયા છે, જ્યારે થાઇ વેરાયટીના ભાવ સ્થાનિક ચલણના દરમાં વધઘટને કારણે ઘણા વર્ષોના ઊંચા શિખરે પહોંચી ગયા છે. 
આરોગ્ય સંશોધનકારોએ ચેતવણી આપી છે કે ભારતમાં મે મહિનાના મધ્ય સુધી દેશમાં 10 લાખથી વધારે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગી શકે છે, જેથી ભારત સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે અને તમામ વિમાન અને ટ્રેન મુસાફરી, ઉદ્યોગ-ધંધાઓ અને શાળાઓ બંધ રાખી છે. ભારતના 5 ટકા બ્રોકન વેરાયટીના ભાવ ચાલુ સપ્તાહે 361થી 365 ડોલર પ્રતિ ટન  બોલાયા છે, જે ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે. નિકાસકારો લોકડાઉનમાં કામકાજ ચાલુ રાખવા મથામણ કરી રહ્યા છે. વિતેલા સપ્તાહે ભાવ ગગડીને  363થી 367 ડોલર પ્રતિ ટન થઇ ગયા હતા. 
રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બી.વી. કૃષ્ણારાવે જણાવ્યું હતું કે લોકડાઉનથી આખી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઇ છે. ચાલુ સપ્તાહે ભારતીય રૂપિયો ડોલર સામે નવી નીચી સપાટીને સ્પર્શ્યો હતો, જેના લીધે વિદેશી વેચાણથી ભારતીયોનું માર્જિન વધી ગયું છે.    થાઇલેન્ડનો બેન્ચમાર્ક 5% બ્રોકન રાઇસનો ભાવ ગુરુવારે ઘટીને 468થી 495 પ્રતિ ટન થયો હતો જ્યારે તેની અગાઉના સપ્તાહે ભાવ 480થી 505 ડોલર પ્રતિ ટન બોલાયા હતા જે સાડા છ વર્ષની ઉંચી સપાટી છે. કિંમતમાં ઘટાડો કરન્સીમાં વધઘટને કારણે આવ્યો છે, જ્યારે માંગ અને સપ્લાય ઉપરની સ્થિતિ પ્રમાણમાં યથાવત રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. 
થાઇ માર્કેટમાં સાવચેતભર્યુ વલણ છે, જ્યારે દાયકાના સૌથી ખરાબ દૂષ્કાળના કારણે ઘણા ચોખા ઉત્પાદક વિસ્તારોમાં વાવેતરની કામગરીને પ્રતિકુળ અસર થઇ છે. જ્યારે વેપારીઓનું કહેવું છે કે કોરોના વાયરસની મહામારીને લીધે કેટલાક પ્રકારના ચોખાની માંગ વધી છે અને તે કારણસર ભાવ ઉંચકાયા છે. થાઇ સરકારે કોરોનાવાયરસને લઈને દેશભરમાં કટોકટીની ઘોષણા કરી છે, પરંતુ કૃષિ ઉત્પાદન અથવા નિકાસ પર સીધી અસર પડે તેવા કોઈ પ્રતિબંધો જાહેર કર્યા નથી.  આ દરમિયાન, બાંગ્લાદેશમાં ચોખાના સ્થાનિક ભાવોમાં 10% જેટલો વધારો થયો છે, કારણ કે વાયરસના ભયથી ગભરાઇને લોકો સંગ્રહ કરવા માટે જંગી ખરીદી કરી રહ્યા છે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer