શેર બજારો ઉપર મંદીવાળાની નાગચૂડ સેન્સેક્સ 674, નિફટી 170 પોઇન્ટ ઘટ્યા

શેર બજારો ઉપર મંદીવાળાની નાગચૂડ સેન્સેક્સ 674, નિફટી 170 પોઇન્ટ ઘટ્યા
ક્રૂડ ઓઇલમાં સુધારો  અને રૂપિયો વધુ નબળો પડતા વેચવાલીનું સતત જોર
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 3 એપ્રિલ
કોરોનાના સંકટમાં ઘેરાયેલા વૈશ્વિક શેર બજારોની રાહે આજે અહીંના  શેર બજારોમાં મંદીવાળાઓની નાગચૂડ ચાલુ રહી હતી. આજે અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડવાની સાથે ક્રૂડ ઓઇલમાં સુધારો પ્રેરાયો હતો. બીજી બાજુ,  રાટિંગ એજન્સી મૂડી'સે ભારતની ખાનગી બેન્કોનું આઉટલૂક ઘટાડતા સેન્સેક્સ અને નિફટીમાં ચોમેર વેચવાલી સમગ્ર સત્ર દરમિયાન રહી હતી. સપ્તાહના અંતિમ ટ્રાડિંગ સત્રમાં સેન્સેક્સ 674.36 પોઇન્ટ્સ ઘટી 27590.95 અને નિફટી 170 પોઇન્ટ્સ ઘટી 8083.80ના સ્તરે બંધ થયા હતા. બેન્ક નિફટી આજે 5 ટકા જેટલો ઘટીને બંધ થયો હતો. મેટલ અને બેન્કિગ શેર્સ પટકાયા હતા જ્યારે ફાર્મા અને કેમિકલ્સ તેમજ ઓઇલ - ગેસ શેર્સમાં ખરીદી થઈ હતી. નિફટીમાં આજે 1169 શેર્સ વધ્યા હતા જ્યારે 979 શેર્સ ઉપર વેચવાલીનું દબાણ હતું.  
 ઘટેલા શેર્સમાં મુખ્યત્વે એસબીઆઈ, મારુતિ, એક્સીસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડ્સ ઇન્ડ બેન્ક, ટાઈટન, અને એચડીએફસીનો સમાવેશ થતો હતો જ્યારે નેગેટિવ માહોલમાં વધેલા શેર્સમાં સન ફાર્મા, આઇટીસી, ઓએનજીસી, એમ એન્ડ એમ, ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડ મુખ્ય હતા.આજે સૌથી વધુ નુકસાન બેન્ક નિફટીને ઇન્ટ્રા ડેમાં 6 ટકા જેટલું થયું હતું. મૂડી'સે ખાનગી બેંકોનું આઉટલૂક ઘટાડતા તેમના શેર્સમાં ભારે વેચવાલી આવી હતી.  
દરમિયાન, આજે એશિયન શેર બજારો ઘટયા મથાળેબંધ થયા હતા. જપાનના નીક્કી - 225 સિવાય તમામ બજારો નેગેટિવ બંધ થતાં હતાં. નીક્કી માત્ર 1.47 પોઇન્ટ્સ વધીને બંધ થયો હતો.જ્યારે હેંગ સેંગ 0.6 ટકા અને સાંધાઈ કોમ્પોઝિટ 0.2 ટકા ઘટયા હતા.  
કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્રને થઈ રહેલા ભારે નુકસાનના કારણે જાગતિક શેર બજારોમાં તોફાની વધઘટનો માહોલ ચાલુ રહેશે અને રોકાણકારો જોખમ લેવાનું ટાળશે, એમ જેપી મોર્ગનના  એશિયા ચીફ તાઈ હુઈએ જણાવ્યું છે.  
અમેરિકાના ફ્યુચર બજારો બેરોજગારીના સાપ્તાહિક આંકડામાં 100 ટકા કરતા વધુનો ઉછાળો આવતા તૂટયા હતા. ડાઉ ફ્યુચર્સ અને એસ એન્ડ પી 500 ફ્યુચર્સ બંને 0.9 ટકા અને નાસદાક કોમ્પોઝિટ ફ્યુચર્સ 0.8 ટકા ઘટ્યા હતા.  
જોકે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પોણા બે ડોલર ઉછળી 31.69 પ્રતિ બેરલ હતો, તે કારણે ભારતીય ઓઇલ માર્કાટિંગ કંપનીઓના શેર્સ વધ્યા હતા. ભારતિય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે 0.51 નબળો પડી 76.07ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.  
 આવતા સપ્તાહના પ્રારંભે સોમવારે ભારતીય શેર બજારોમાં મહાવીર જયંતી નિમિત્તે રજા છે, અને 10મી એપ્રિલે ગુડ ફ્રાઈડે ની પણ રજા હોવાથી શેર બજારો આવતા સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ ટ્રેડ કરશે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer