કોરોનાના ઉપદ્રવને કારણે ભારતે ફરીથી રાજકોષીય ખાધનાં મુદ્રીકરણ તરફ વળવું પડશે : ડો. સી. રંગરાજન

કોરોનાના ઉપદ્રવને કારણે ભારતે ફરીથી રાજકોષીય ખાધનાં મુદ્રીકરણ તરફ વળવું પડશે : ડો. સી. રંગરાજન
મુંબઈ, તા. 3 એપ્રિલ
ભારતની નાણાંવ્યવસ્થામાં 1997 નું વર્ષ એક સીમાસ્તંભ સમાન હતું. સરકારની નાણાકીય ખાધને પુરી કરવા માટે  રિઝર્વ બેન્ક સરકારી બોન્ડ ખરીદે એવી વર્ષો જૂની પરંપરાને એ વર્ષે તિલાંજાલિ આપવામાં આવી. ટેક્નિકલ ભાષામાં આ પદ્ધતિને ખાધનું મુદ્રીકરણ કહેવાય અને સાદા શબ્દોમાં કહીએ તો સરકાર તેની ખાધ ચલણી નોટ છાપીને કરતી હતી. આ પરંપરાને લીધે સરકાર બેફામ ખર્ચ કરવા પ્રેરાતી અને તેને કારણે ઊંચો ફુગાવો સર્જાતો. 
1997-98ના વર્ષથી આ પ્રથાને બંધ કરવામાં આવી હતી. અને નાણાકીય વ્યવસ્થામાં આ પાયાના પરિવર્તનના પ્રણેતા હતા તે સમયના રિઝર્વ બેન્કના ગવર્નર ચક્રવર્તી રંગરાજન. ડો. રંગરાજન વડાપ્રધાનની આર્થિક સલાહ્કારી સમિતિના અધ્યક્ષ જેવા અનેક હોદ્દાઓ સંભાળી ચુક્યા છે. 
આ પરિવર્તનના 23 વર્ષો બાદ અર્થતંત્ર કોવિદ-19 સામે જંગ લડી રહ્યું છે ત્યારે આપણે કદાચ કામચલાઉ રીતે ખાધનાં મુદ્રીકરણ તરફ વળવું પડશે એમ આ વિખ્યાત અર્થશાત્રી કહે છે. 
કોરોના વાઇરસ અને તેના ફેલાવાને અટકાવવા માટે જે તાળાબંધી કરવામાં આવી છે તેને કારણે સરકારના ખર્ચમાં વધારો થશે અને એ માટે જે અધિક કરજ થશે તેના મુદ્રીકરણ સિવાય છૂટકો નથી એમ રંગરાજનનું માનવું છે. રાજકોષીય ખાધ વધે તેનો કોઈ વાંધો નથી, પણ કોયડો એટલો જ છે કે  વધારાનું કરજ ક્યાંથી આવશે અને એ માટે જે સરકારી બોન્ડ જારી કરાય એ કોણ લેશે? અત્યારના સંજોગો જોતા લાગે છે કે રિઝર્વ બેંકે પ્રાઈમરી કે સેકન્ડરી માર્કેટ દ્વારા સરકારને ટેકો આપવો પડશે એમ તે કહે છે.  પણ આનો અર્થ એવો નહિ કે મધ્યસ્થ બેંકે સમજદારીપૂર્વકની જે નીતિઓ અત્યાર  સુધી  અપનાવી  છે એ બધી પડતી મુકવી  એમ કહેતા રંગરાજન ચેતવણી આપે છે કે જો રાજકોષીય ખાધમાં બહુ મોટો વધારો થાય તો ઊંચો ફુગાવો સર્જાઈ શકે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ જીડીપીના ત્રણ ટકા ખાધની મર્યાદા રાખવામાં આવી છે પણ અત્યારે આ ખાધ વધારીને મર્યાદા કરતા બમણી કરવાની જરૂર છે.કેન્દ્ર ઉપરાંત રાજ્યોની અંદાજપત્રીય ખાધને ધ્યાનમાં લઈએ તો કુલ ખાધ જીડીપીના દસ ટકા જેટલી થઇ શકે.  
`હું સ્વીકારું છું કે અત્યારની ઘડીએ રાજકોઇષિય ખાધની વાત ન કરાવી જોઈએ, પણ સાથે એ ન ભૂલવું જોઈએ કે આગળ જતા જો ખાધમાં ધરખમ વધારો થાય તો ઊંચા ફુગાવાની સમસ્યા ઉભી થઇ શકે, સિવાય કે સાથે સાથે ઉત્પાદનમાં પણ જબ્બર વધારો થાય' એમ તે કહે છે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer