કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સ્ટાફને ફરજ બજાવા કહેવાયું

આવો છે શતાબ્દી હૉસ્પિટલનો કારભાર 
મુંબઈ, તા.3 : કાંદિવલી પશ્ચિમની શતાબ્દી હોસ્પિટલ તરીકે જાણીતી ડૉ બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં માલવણીના 65 વર્ષના એક દરદીનું મરણ થયું હતું તેને આ હોસ્પિટલના જનરલ વૉર્ડમાં દાખલ કરાયો હતો એ બહાર આવતાં હોસ્લપિટલના લગભગ 148 કર્મચારીઓની કોરોનાની ટેસ્ટ કરવામાં આવી રહી છે ત્યારે ડૉકટરો, નર્સો, પેરામેડીકલ અને હાઉસકીપીંગ મળીને 68  કર્મચારીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. 
હોસ્પિટલના 10 જેટલા ડૉકટરોને હોસ્પિટલના પ્રાંગણના સ્ટાફ કવૉટર્સમાં કવૉરન્ટાઈન થવાનું કહેવાયું છે જયારે બાકીના 70 કર્મચારીઓને ફરજ પર ચાલુ રહેવા જણાવાયું છે.65 વર્ષના એદરદીને 25 થી 28 માર્ચ વચ્ચે શતાબ્દીના જનરલ વૉર્ડમાં દાખલ કરાયો હતો.તેનું એક ખાનગી હોસ્પિટલમાં 31 માર્ચે મરણ થયું હતું 
શતાબ્દીના મેડીકલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ પ્રમોદ નાગરકરે જણાવ્યું હતું કે હોસ્પિટલના 148  કર્મચારીઓના સ્વેબ લેવામાં આવ્યાં છે અને તે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યાં છે, સ્ટાફની અછત થઈ છે એ સાચું પણ અમે બધી સેવાઓ સરળતાથી ચલાવી રહ્યા છીએ, આમછતાં ત્યાં કામ કરતા ડૉકટરોનું કહેવું કંઈ જુદું જ છે,તેઓ કહે છે કે સુપ્રિન્ટેનડેન્ટનું કહેવું સાચું નથી.જો તેમને દરદીઓ અને સ્ટાફની જો ખરેખર ચિંતા હોય તો તેમણે સમગ્ર હોસ્પિટલ સ્ટાફને આઈસોલેટ કરવો જોઈએ. 26 થી 28 માર્ચ વચ્ચે જનરલ વૉર્ડના દરદીઓ અને તેમનાં પરિવાર જનોને ઓળખી કાઢીને તેમનાં ટેસ્ટ થવાં જોઈએ જો એમ નહીં કરાય તો હોસ્પિટલમાં આવતા લોકોની જાનસાથે રમત ગણાશે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer