મીરા- ભાયંદરમાં સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૌસી

અમારા પ્રતિનિધિ તરફથી
મીરા રોડ, તા. 3 : એક તરફ મીરાં ભાયંદર મનપા આયુક્ત ચન્દ્રકાન્ત ડાંગે કોરોનાને કન્ટ્રોલ કરવા માટે ભરપુર પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકોમાંજ આ બાબતમાં જાગરુકતા નહીં આવે તો અહીંના લોકોને હજુ પણ કપરાં દિવસો જોવાનો વારો આવે એમ લાગે છે. 
આયુક્તે લોકોને તકલીફ ન થાય તેમાટે જીવન જરુરી વસ્તુ ખરીદવા માટે બહાર જવાની છુટ આપી છે પરંતુ લોકો આ છુટનો ગેરફાયદો લેતા હોવાથી આ છુટછાટ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ હજુ સુધી અહીંની જનતાને સ્થિતિની ગંભીરતાની સમજ પડી હોય એમ લાગતુ નથી. 
શુક્રવારે સવારે મીરા રોડ અને ભાયંદરની દરેકે દરેક બેંકની બહાર લાઇન લાગી હતી પરંતુ લોકો એકબીજાથી સલામત અંતરે ઊભા રહેવાને બદલે ચીટકીને ઉભા રહીને ગપ્પા મારતાં દેખાતા હતાં.
મીરા ભાયંદરમાં આફતના સમયે પોલીસોની ભાગદોડ ઘણી વધી ગઈ છે. લાઇનમાં ઉભેલા લોકોને પોલીસ દ્વારા વારંવાર એકબીજાથી અંતર રાખી ને ઉભા રહેવા સમજાવવામાં આવતુ હોવાં છતાં લોકો ગણકારતા નહોતા. લોકોની બેદરકારી ભવિષ્યમાં અહીંના લોકો ને ભારે પડે તેમ છે.
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer