ચેમ્બૂરના ત્રણ દિવસના શિશુનો અને તેની માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ

ચેમ્બૂરના ત્રણ દિવસના શિશુનો અને તેની માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.3 : કોરોનાને લીધે મહારાષ્ટ્રમાં શુક્રવારે વધુ ત્રણ વ્યક્તિના મૃત્યુ થતાં આ ચેપી રોગથી રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 23ની થઈ ગઈ છે. મૃત્યુ પામનાર બે દરદી 60 વર્ષથી ઉપરની ઉંમરના હતા. પુણેમા પણ નવા 11 દરદી મળ્યા છે અને એ સાથે ત્યાં કુલ 71 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.  મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના 67 નવા કેસો નોંધાયા હતા. એ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દરદીઓની સંખ્યા 490 થઈ ગઈ છે.
મુંબઈમાં શુક્રવારે પણ નવા દરદી મળ્યા હતા. આઘાતજનક તો એ છે કે હવે ઝુંપડપટ્ટી અને ગીચ વિસ્તારમાંથી દરદી મળવાની શરૂઆત થઈ છે. વરલી કોલિવાડા, ટિળકનગર અને ધારાવી બાદ પવઈની ઝુંપડપટ્ટીમાંથી કોરોનાનો એક દરદી મળ્યો છે. આને લીધે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.   એક સારા સમાચાર એ છે કે ચેમ્બુરની જે મહિલા અને તેના ત્રણ દિવસના શિશુને કોરોના હોવાનું કહેવાતું હતું તેમના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. બન્ને સદિગ્ધ દરદીને કસ્તુરબામાં દાખલ કરાયા હતા. બન્નેના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને ઝટ ડિસ્ચાર્જ આપવામાં આવે એવી શક્યતા છે. 
મહારાષ્ટ્રનો સિધુદુર્ગ જિલ્લો કોરોનામુક્ત થઈ ગયો છે. જિલ્લાનો એકમાત્ર દરદી સારો થઈ ગયો છે. તેનો લેટેસ્ટ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. 11 માર્ચે આ વ્યક્તિએ મેંગલોર એકસપ્રેસમાં પ્રવાસ કરેલો. એ જે ડબામાં હતો એ ડબામાં કોરોનાનો દરદી પણ હતો. આ દરદીનો ચેપ તેને લાગ્યો હતો. 
વાશિમ જિલ્લામાંથી પણ કોરોનાનો પહેલો દરદી મળ્યો છે. આ દરદી તબલિગી છે એ તેના જમાતની ધરમસભામાં હાજરી આપવા દિલ્હી ગયો હતો. 
સીલ કરાયેલા વરલી-કોલિવાડમાં સમુદ્રમાર્ગે વસ્તુઓ લાવવા બદલ પાંચ જણની દરપકડ 
વરલી- કોલિવાડા કોરોનાના સંદભર્માં સર્વાધિક સંવેદનશીલ બની ગયું છે. આ આખો વિસ્તાર સિલ કરવામાં આવ્યો છે અને લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવામાં આવી છે. આમ છતાં ત્યાંના લોકો જીવનાવશ્યક વસ્તુઓ લેવા સમુદ્રમાર્ગે માહિમ જાય છે એવો વિડીયો વાઇરલ થતાં પોલીસ સક્રીય બની હતી અને પાંચ જણની પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરવા બદલ ધરપકડ કરી હતી. આ વિસ્તારમાં કોરોનાનો રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એક કોળી નેતાનું મરણ થયું છે. વરલી-કોલિવાડાને સંર્પૂણપણે સિલ કરાયો છે, જ્યારે વરલી નાકાને આંશિક રીતે સિલ કરાયો છે.
મસ્જિદમા 14 તબલિગીઓને સંતાડ્યા 
દિલ્હીમાં તબલિગી જમાતની ધર્મસભામાં હાજરી આપનાર 14 નેપાળીઓને સંગમનેરની મસ્જિદમાં છૂપાવનાર અને પછી એક ઘરમાં આશ્રય આપવા બદલ પોલીસે પાંચ જણ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ 14 નેપાળીઓને ગુરુવારે રાત્રે તાબામાં લીધા હતા અને તેમને હોમ ક્વોરન્ટાઈન કર્યા હતા. 
36 નમાઝીની ધરપકડ 
સાગલી જિલ્લાની એ ક મસ્જિદમાં નમાઝ પઢવા આવેલા 36 જણની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ મીરજની મચ્છી માર્કેટની બરકત મસ્જિદમાં બની હતી.પોલીસે કહ્યું હતું કે લોકોને વોટ્સઍપ કરીને નમાઝ માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અમને આની ખબર પડી કે તરત જ અમે ત્યા પહોંચી ગયા હતા અને 36 નમાઝીઓને પકડી લીધા હતા. 
પોલીસના પરિવારને મળશે 50 લાખ 
રાજ્ય સરકારે કોરોનાની લડાઈ કરવામાં સામેલ કોઈ પોલીસકર્મીનું મૃત્યુ થશે તો તેના પરિવારને 50 લાખની સાનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી છે. તો તાતા ગ્રુપે કોરોના સામે બાથ ભીડી રહેલા ડોક્ટરોને તેની હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરશે. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer