લાંબો બ્રેક ફાસ્ટ બોલરોની ફિટનેસ બગાડશે : નેહરા

લાંબો બ્રેક ફાસ્ટ બોલરોની ફિટનેસ બગાડશે : નેહરા
`બેટધરો યોગ અને બીજી કસરતથી ફિટ રહી શકે, પણ બોલરો માટે લાંબી દોડ જરૂરી'
નવી દિલ્હી, તા.6: પૂર્વ ભારતીય ઝડપી બોલર આશિષ નેહરાનું માનવું છે કે સતત ત્રણ મહિનાનો બ્રેક ફાસ્ટ બોલર માટે ફિટનેસમાં બાધા બની શકે છે. બેટધરો યોગ અને ટ્રેનિંગથી ખુદને ફિટ રાખી શકે છે, પણ બોલરોને આટલાથી કામ ન ચાલે તેમને દોડ પણ લગાવવી પડે છે. જે હાલ બંધ છે. હાલ કોરોના વાઇરસને લીધે ભારતમાં લોકડાઉન છે. આથી તમામ ગતિવિધિ ઠપ છે. જેથી ખેલાડીઓને પણ ઘરમાં રહેવું પડે છે. 
આ બારામાં આશિષ નેહરા કહે છે કે મને તો જુલાઇ પહેલા કોઇ ક્રિકેટ ગતિવિધિની આશા નજરે પડતી નથી. આથી ઝડપી બોલર માટે ફિટ રહેવું મોટો પડકાર બની રહેશે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ફિઝિયો જોન ગ્લોસ્ટરનું પણ માનવું છે કે લોકડાઉનની સ્થિતિમાં મોટાભાગના ક્રિકેટરોને જગ્યાની કમી નડી રહી છે. ખાસ કરીને ઝડપી બોલર એથી વધુ મુશ્કેલીમાં છે.
આઇપીએલ ફ્રેંચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલિંગ કોચ રહી ચૂકેલા નેહરાનું માનવું છે કે ઝડપી બોલરોને દોડવાની જગ્યા મળવી હાલ મુશ્કેલ છે. વધુમાં વધુ 1પ કે 20 મીટરનો બગીચો મળે છે. જ્યાં તમે યોગ કે બીજી કસરત કરી શકો છો. ઝડપી બોલર માટે દોડવું એટલા માટે જરૂરી હોય છે કે આથી તેઓ સ્નાયુ ખેંચાવાની ઇજાથી બચી શકે છે. છત પર દોડવાથી તેમના ગોઠણને નુકસાન થાય છે. આથી મારું માનવું છે કે સ્થિતિ સુધર્યાં બાદ બીસીસીઆઇ અને આઇસીસી ખેલાડીઓને ઓછામાં ઓછો એક મહિનાનો તો સમય આપશે જ. મને આશા છે કે લોકડાઉન સમાપ્ત થયા બાદ ખેલાડીઓને પ્રેકટીસ માટે મેદાન તો નસીબ થશે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer