આઇપીએલમાં ચેન્નાઇ કરતા મુંબઇની ટીમ વધુ મજબૂત : માંજરેકર

આઇપીએલમાં ચેન્નાઇ કરતા મુંબઇની ટીમ વધુ મજબૂત : માંજરેકર
નવી દિલ્હી, તા.6: પૂર્વ ભારતીય બેટધર અને કોમેન્ટેટર સંજય માંજરેકરનું માનવું છે કે આઇપીએલનો ઇતિહાસ જોઇએ તો ચેન્નાઇ સુપર કિંગ્સના મુકાબલે મુંબઇ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલમાં 2013, 2015, 2017 અને 2019 એમ ચાર વખત ચેમ્પિયન બની છે. જેમાં તેણે ત્રણ વાર ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને એક વાર પૂણે સુપર જાયન્ટસને હાર આપી છે.
માંજરેકર કહે છે કે આઇપીએલ 12 વર્ષથી રમાઇ છે. જો જીતની ટકાવારી તપાસીએ તો ચેન્નાઇ સુપર કિંગ્સ પહેલા નંબર પર છે. મુંબઇની ટીમ પણ તેનો ગ્રાફ વધારી રહી છે. તેણે ચાર વખત અને ચેન્નાઇની ટીમે ત્રણ વાર ટાઇટલ જીત્યા છે. જો કે ચેન્નાઇની ટીમ બે સિઝન રમી શકી નથી. આથી મુંબઇની ટીમની સફર વધુ લાંબી છે. તે પાછલા કેટલાક વર્ષેથી ધોનીની ટીમને મજબૂત પડકાર આપી રહી છે. આથી મુંબઇની ટીમ ધોનીની બ્રિગેડથી ખિતાબની વધુ પ્રબળ દાવેદાર છે. મુંબઇ અને ચેન્નાઇના મેચથી આઇપીએલ-13નો પ્રારંભ 29 માર્ચથી થવાનો હતો. કોરોના વાઇરસને લીધે આઇપીએલ 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યું છે. આ પછી પણ તેના આયોજનની સંભાવના ઘણી ઓછી છે.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer