સુશીલકુમાર સંન્યાસના મૂડમાં નહીં, ઓલિમ્પિકમાં કવોલીફાઇ થવાના આશાવાદમાં

સુશીલકુમાર સંન્યાસના મૂડમાં નહીં, ઓલિમ્પિકમાં કવોલીફાઇ થવાના આશાવાદમાં
નવી દિલ્હી, તા. 6 : બે વખતનો ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કુસ્તી ખેલાડી સુશીલકુમાર હાલ એવા પડાવ પર છે કે મોટાભાગના ખેલાડી સંન્યાસની ઘોષણા કરી દે છે. આ સામે સુશીલકુમાર હજુ પણ ટોકયો ઓલિમ્પિકમાં રમવાની તૈયારી કરી રહયો છે. તે કહે છે કે લોકોને આદત પડી ગઇ છે કે સુશીલની કારકિર્દી સમાપ્ત થઇ છે તેવું માની લેવાની. પણ મને આથી કોઇ ફરક પડતો નથી. જો કે તે હજુ ઓલિમ્પિક માટે કવોલીફાઇ થયો નથી. હવે ટોકિયો ઓલિમ્પિક એક વર્ષ માટે ટાળી દેવામાં આવતા સુશીલકુમારની આશા વધી છે. તેનું માનવું છે કે તે જરૂર ઓલિમ્પિકનો કવોટા હાંસલ કરી લેશે. તે આવતા મહિને 37 વર્ષનો થશે. જો તે કવોલીફાઇ થઇ જશે. તો આવતા વર્ષે યોજાનાર ઓલિમ્પિક તેનો આખરી બની રહેશે. કદાચ એ પછી તે નિવૃત્તિ લેશે. 
તે કહે છે કે લોકડાઉનની સ્થિતિમાં પણ હું આકરી મહેનત કરી રહયો છું. દરરોજ બે વખત પ્રેકટીસ કરું છું. જો કે મેટ પર ઉતરતો નથી, પણ ફિટ રહેવાની ભરપૂર કોશિશ કરું છું. તે ભારત તરફથી 74 કિલો વર્ગમાં ઓલિમ્પિકમાં કવોલીફાઇ થવા માંગે છે. ઓલિમ્પિક એક વર્ષ પાછો ઠેલાતા સુશીલના જૂના હરીફ નરસિંહ યાદવની આશા પણ વધી છે. તેના પરનો ચાર વર્ષનો પ્રતિબંધ જુલાઇમાં સમાપ્ત થઇ રહયો છે. જો નરસિંહને વાપસીનો મોકો આપશે તો સુશીલ માટે વધુ પડકાર ઉભો થશે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer