કોરોનાથી આર્થિક વિકાસને ફટકો પડવાના ભયે સોનામાં તેજી

કોરોનાથી આર્થિક વિકાસને ફટકો પડવાના ભયે સોનામાં તેજી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 6 એપ્રિલ 
કોરોના વાઇરસના રોગચાળાને લીધે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડશે તેવી ચિંતા વચ્ચે સોનામાં ખરીદી ખૂલતા 1 ટકા કરતા વધારે તેજી આવી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1610 ડોલરથી ઉછ?દળીને 1638 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો હતો. સોમવારે સોનું એક અઠવાડિયાની ટોચ ઉપર હતુ. 
ઓન્ડા સિક્યુરિટીઝના વિશ્લેષક કહે છે, વાઇરસની અસર અર્થતંત્રો ઉપર મોટાંપાયે જોવા મળશે અને મોટાં ઉદ્દીપક પેકેજો નાણાકિય સિસ્ટમને સધ્ધર કરવા માટે જાહેર કરવાના થશે એ સોનાને ટેકો આપનારા સાબિત થશે. તેમના મતે સોનું વધઘટે 1700 ડોલર સુધી જવાની શક્યતા ધરાવે છે. રોગચાળાને લીધે દુનિયામાં 10 લાખ લોકોને અસર થઈ છે. 68 હજાર લોકો મોતને શરણે થયા છે અને લોકડાઉન હવે વિવિધ દેશોમાં થઇ રહ્યા છે તે અર્થતંત્રોને જબરો ફટકો મારશે. 
જાપાન રોગચાળામાં ડેમેજ કંટ્રોલ માટે નાણાકિય અને ટેક્સ ઉપરાંત રાજકોષીય પગલાં પણ મંગળવારે લે તેવી શક્યતા છે. આ માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જાપાન કટોકટી પણ જાહેર કરી શકે છે. સોનું વ્યાજદરથી જલ્દી પ્રભાવિત થાય છે. નીચાં વ્યાજદર સોનાની ખરીદીને બળ આપનારા બની રહેશે. 
એસપીડીઆર ગોલ્ડ ફંડની ખરીદી અત્યારે વધી છે. શુક્રવારે અનામતોમાં 0.7 ટકાનો વધારો થતા 978.99 ટન સુધી પહોંચી છે. જે ત્રણ વર્ષની ટોચ ઉપર છે. ફિઝીકલ બાજુ તપાસીએ તો વિશ્વની ત્રણ મોટી ગોલ્ડ રિફાઇનરીઓ બે અઠવાડિયા સુધી બંધ રહ્યા પછી  અમુક સમય માટે ખોલવામાં આવી છે. એમસીએક્સમાં સોનાનો જૂન કોન્ટ્રાક્ટ રુ. 480ના સુધારા સાથે રુ.43720 અને ચાંદી નો કોન્ટ્રાક્ટ રુ. 1439 ઉછળીને રુ. 41311 હતો. ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 1460 ડોલરની સપાટીએ રનીંગ હતો. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer