એશિયન અને યુરોપીયન શેર બજારોમાં આશાસ્પદ ખરીદી

એશિયન અને યુરોપીયન શેર બજારોમાં આશાસ્પદ ખરીદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 6 એપ્રિલ
વૈશ્વિક સ્તરે કોરોના વાયરસનું જોર ધીમું પડી રહ્યું હોવાના સમાચાર વચ્ચે આજે એશિયન અને યુરોપના બજારોમાં આશાભરી ખરીદી થઈ હતી. એશિયન બજારો સકારાત્મક બંધ થયા બાદ તેની રહે યુરોપના બજારો પણ નક્કર ખરીદી સાથે શરૂ થયા હતા.  
જપાન અને દક્ષિણ કોરિયાના શેર બજારો ટ્રાડિંગના મધ્ય ભાગ સુધીમાં જ બે ટકા જેટલા વધ્યા હતા જ્યારે અન્ય શેર બજારોમાં મધ્યમ ખરીદી થઈ હતી. યુરોપ અને વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ પણ સકારાત્મક શરૂ થયા હતા.  
વૈશ્વિક સ્તરે કોરોના વાયરસનો ઉપદ્રવ સહેજ ઘટ્યો હોવાના સંકેત છતાં રોકાણકારોએ સત્તાવાર આંકડા ઉપર આધાર રાખવાનું નક્કી કરતાં બજારોમાં ખરીદી સિમિત રહી હતી.  
રોકાણકારોનો સાવધ અભિગમ હોવા છતાં અન્ય દેશોના શેર બજારોમાં ધીમો સુધારો થયો હતો. યુએસ ટ્રેઝરી બોન્ડના ભાવ એશિયન ટ્રાડિંગમાં ઘટ્યા હતા. તે સાથે સોના અને અન્ય સુરક્ષિત મનાતી જણસોના વાયદા ઘટયા હતા.  
બીજી તરફ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રૂડ ઓઈલના પુરવઠા બાબતે ચાલી રહેલા સંઘર્ષના કારણે આ જણસના ભાવ ઘટી રહયા છે. 
એશિયન બજારોમાં જપાનનો નિકકી 4.24 ટકા ઉછળીને બંધ થયો હતો, હેંગ સેંગ 1.2 ટકા અને તાઇવાન ઇન્ડેક્સ 0.9 ટકા વધ્યો હતો.જોકે, સાંધાઈ ઇન્ડેક્સ 0.60 ટકા ઘટીને બંધ થયો હતો.  
યુરોપના બજારો એશિયાની તેજીના પગલે વધ્યા હતા. લંડન શેર બજાર 1.63 ટકા, જર્મનીનો ડેક્સ 3.43 ટકા, ફ્રાન્સનો સીએસી 2.86 ટકા વધીને ટ્રેડ કરી રહયા હતા.  Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer