ઈપ્કા લેબ, ઝાયડસ કેડિલાને 10 કરોડ હાઈડ્રોક્ષિક્લોરોક્વિન ટેબલેટ્સ બનાવવાનો ઓર્ડર

ઈપ્કા લેબ, ઝાયડસ કેડિલાને 10 કરોડ હાઈડ્રોક્ષિક્લોરોક્વિન ટેબલેટ્સ બનાવવાનો ઓર્ડર
નવી દિલ્હી, તા. 6: મેલેરિયાની સારવાર માટેની ઔષધ હાઈડ્રોક્સિક્લોરોક્વિન (એચસીક્યુ) બનાવતી દેશની મોટી ઉત્પાદક કંપનીઓ ઈપ્કા લેબોરેટરીસ અને ઝાયડસ કેડિલાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 10 કરોડ ટેબલેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપ્યો છે.  
એચસીક્યુના ઉત્પાદનમાં ભારત અગ્રણી છે. આ ઔષધ ઈપ્કા લેબોરેટરીસ, ઝાયડસ કેડિલા અને વોલેસ ફાર્માસ્યુટિકલ્સ બનાવે છે. અત્યારે દેશની ઉત્પાદન ક્ષમતા માસિક 20 કરોડ ટેબલેટ્સ બનાવવાની છે.  
નેશનલ ફાર્માસ્યુટિકલ ર્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ)ના ચેરમેન શુભ્રા સિંહને ઔષધ ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા ઉપર વિશ્વાસ છે. સિંહે કહ્યું કે, અમે દર મહિને 40 ટન એટલે કે 200 એમજીની 20 કરોડ ટેબલેટ્સ બનાવવા સક્ષમ છીએ. ઔષધ કંપનીઓની ઉત્પાદન ક્ષમતા ઘણી સારી છે કારણકે આ ઔષધિનો ઉપયોગ રૂમેટાઈડ આર્થરાઈટીસ માટે પણ થાય છે.  
તેમણે કહ્યું કે કંપનીઓ પાસે આ ઔષધનો પૂરતો જથ્થો છે અને તેમણે સરકારના ઓર્ડર પ્રમાણે પૂરવઠો આપવાનું શરૂ કર્યું છે. જરૂર પડશે તો તેનું ઉત્પાદન ઝડપી બનાવાશે.  
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કોડિડ-19 હાઈ રિસ્ક ગ્રુપ માટે સંરક્ષણાત્મક મેડિકેશન તરીકે એચસીક્યુની ભલામણ કરી ત્યાર પછી કેન્દ્ર દ્વારા તેનો ઓર્ડર અપાયો હતો. કોવિડૃ19ના શંકાસ્પદ અને કન્ફર્મ્ડ કેસની સારવાર કરતા લોકો માટે પણ આઈસીએમઆરે આ ઔષધિની ભલામણ કરી છે.  
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ક્લોરોક્વિનને કોરોના વાયરસના ઉપચાર માટે સંભવિત ગેમ ચેન્જર ઔષધ ગણાવી છે. હાઈડ્રોક્સિક્લોરોક્વિનએ ક્લોરોક્વિનની ઓછી આડ અસરવાળી ઔષધ છે.  
કેડિલાના પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે જરૂર પડ્યે કંપની તેની ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી કરી શકે છે. કંપની એપીઆઈ અને ફિનિશ્ડ ડોઝ ફોર્મ્યુલેશન બનાવવા માટે તૈયાર છે.  
એફડીએના કમિશનર ડો. સ્ટિફન હાને કહ્યું કે નિયામક ક્લોરોક્વિનને કોરોના વાયરસના દર્દી ઉપર ક્લિનીકલ ટ્રાયલ લેવા તૈયારી કરી રહ્યું છે.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer