વરલીસ્થિત પોદ્દાર હોસ્પિટલમાં દરદીઓની અગવડનો વીડિયો વાયરલ

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ આરોગ્ય યંત્રણા ઉપર તાણ વધી રહી છે. તે અંગે દરદીઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી રહી છે. વરલીસ્થિત પોદ્દાર હોસ્પિટલમાં અસુવિધાનો વીડિયો વાયરલ થયો છે. મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ તેની ગંભીર નોંધ લીધી છે. તેમણે સંબંધિતોને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને દરદીઓની માફી માંગી છે. 
મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓમાં અડધોઅડધ દરદીઓ મુંબઈના છે. વરલી અને પ્રભાદેવીમાં કોરોના અનેક દરદીઓ મળ્યા છે. તેઓને વિવિધ હોસ્પિટલમાં સમાવી લેવામાં આવ્યા છે. અગમચેતીના પગલાંરૂપે અનેક જણાંને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. વરલીસ્થિત પોદ્દાર હોસ્પિટલમાં અનેક દરદીઓને રાખવામાં આવ્યા છે. જોકે આ હોસ્પિટલમાં દરદીઓને પારાવાર અગવડ સહન કરવી પડી રહી છે. તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલના શૌચાલય અને બાથરૂમની બિસ્માર અવસ્થાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં ભોજન અને પીવાના પાણીની પણ પૂરતી સગવડ નહીં હોવાની ફરિયાદ દરદીઓએ કરી છે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer