કલ્યાણ-ડોમ્બીવલીમાં કોરોનાનો કેર

કરિયાણા, દૂધ અને શાકભાજીની દુકાનો પણ સાંજે પાંચ વાગ્યાથી બંધ   
મુંબઈ, તા. 6 : કલ્યાણ-ડોમ્બીવલી પાલિકાની સીમામાં આજે કોરોનાના વધુ છ દરદીઓ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે કલ્યાણ-ડોમ્બીવલીમાં કોરોનાના દરદીઓની સંખ્યા 34 ઉપર પહોંચી છે. તેના પગલે કડોમ્પાના આયુક્ત વિજય સૂર્યવંશીએ મંગળવારથી કરિયાણું, શાકભાજી અને દૂધની દુકાનોને સાંજે પાંચ વાગ્યાથી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જોકે દવાખાના, હોસ્પિટલો અને દવાની દુકાનોને આદેશમાંથી બાકાત રાખવામાં આવી છે. 
આ છ દરદીઓમાં ચાર ડોમ્બીવલીના અને બે કલ્યાણ (પશ્ચિમ)ના છે. કલ્યાણ (પશ્ચિમ)માં 38 વર્ષનો દરદી છ માસના બાળકનો પિતા છે. તેના પિતા (67) અને માતા (60) પણ કોરોના પોઝીટીવ હોવાનું તપાસમાં જણાવ્યું હતું. આ છ દરદીમાં ચાર જણા 22થી 38 વર્ષની વયજૂથના છે. આ છ જણાએ વિદેશ પ્રવાસ કર્યો નહોતો પણ અન્ય દરદીના સંપર્કમાં આવવાથી તેઓ કોરોના પોઝીટીવ હોવાનું માલૂમ પડયું છે. અત્યાર સુધી કોરોના છ દરદીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 28 દરદીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer