જરૂરી દવા મળવામાં વિલંબ થવાથી ચિંતામાં વધારો

મુંબઈ, તા. 6 :માલસામાનની હેરફેર માટે જરૂરી ડ્રાઈવર્સ અને લોડર્સની સાથે પરિવહનની અછતને કારણે રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નિયમિત મળતો નથી. આને કારણે સ્થાનિક દવાની દુકાનમાં જરૂરી દવા મળતી ન હોવાથી લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. મુંબઈ, નવી મુંબઈ, થાણે અને મીરા-ભાયંદરની દવાની દુકાનોને 5 રવઠો મળવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. 
દવાની કંપનીઓ પણ ચીનથી કાચો માલ મળતો ન હોવાથી ઉત્પાદનમાં મુશ્કેલી અનુભવી રહી છે. ઉપરાંત સ્થાનિક મજૂરો, માલસામાન ભરનારા અને ડ્રાઈવર તેમના વતન જતા રહ્યા હોવાથી ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. 
શનિવારે થાણે, મુંબઈમાં અનેક કેમિસ્ટની દુકાન બહાર લાઈન જોવા મળી હતી. સામાન્યપણે અમે એક મહિનાની દવા અૉનલાઈન ખરીદીએ છીએ, પરંતુ આ વખતે ડિલિવરી માટે દસેક દિવસ લાગશે એમ જણાવ્યું, એટલે અમે દવા લેવા નીકળ્યા છીએ, એમ એક દવા ખરીદવા આવેલા ગ્રાહકે જણાવ્યું હતું. 
થાણે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અસોસિયેશનના એક પદાધિકારીએ જણાવ્યું કે માણસોની અછતને કારણે દવાનો જથ્થો ડિસ્ટ્રિબ્યુટર્સ અને કેમિસ્ટ પાસે પહોંચી શકતો નથી. ઉપરાંત ઘણા લોકોએ દવાનો મોટાપાયે સંગ્રહ કરતા સ્ટૉક ઉપલબ્ધ નથી. 
જ્યારે નવી મુંબઈના કેમિસ્ટે માલની શોર્ટેજ માટે પોલીસને પણ જવાબદાર ગણાવ્યા હતા. એમનું કહેવું છે કે ખાનગી વાહનોમાં દવા લાવીએ ત્યારે પોલીસો ભારે હેરાન કરતા હોય છે. 
દવાના જથ્થાબંધ વેપારીનું કહેવું છે કે માણસોની અછતને કારણે ડિલિવરી સિસ્ટમની ગાડી પાટા પરથી ખડી પડી છે. બાકી દવાઓ તો ઉપલબ્ધ છે. નવી મુંબઈ મેડિકલ અસોસિયેશનના સેક્રેટરીના કહેવા મુજબ દવાની અછત નથી પણ માણસોની અછતને કારણે કેમિસ્ટને દવા પહોંચાડી શકતા નથી. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer