લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર અૉનલાઈન સ્પર્ધાઓની ભરમાર

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ તા. 6: કાંદિવલીના એક રહેવાસી સંકુલના 1,500થી વધુ ઉત્સાહી રહેવાસીઓએ શનિવારે એક દિવસની ઓનલાઈન ગાયન સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ સ્પર્ધા `ગો કોરોના ફેસ્ટ' ના ભાગરૂપે હતી. કોરોનાના લોક ડાઉન દરમિયાન લોકો ઘરમાં બેસીને મનોરંજન મેળવી શકે અને એકબીજા સાથે કનેક્ટ રહીને પોતાના શોખ પોષી શકે એ માટે શ્રેણીબદ્ધ ઓનલાઈન ઈવેન્ટ્સ યોજાઈ રહી છે. 
લોકડાઉનની શરૂઆતથી જ હજારોની સંખ્યામાં લોકો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર યોજાતી દૈનિક ઓનલાઈન સ્પર્ધાઓ અને ઈવેન્ટ્સમાં એન્ટ્રી નોંધાવીને ભાગ લઈ રહ્યા છે. 
નિબંધ લેખન, કવિતા, પેઈન્ટિગ, માસ્ક બનાવવા, વિજ્ઞાનના પ્રોજેક્ટ્સથી લઈને સ્પાલિંગ કે અંતાક્ષરી જેવી રમતો અને સ્પર્ધાઓ પોતાના કુટુંબીઓ, હાઉસિંગ સોસાયટીના સભ્યો કે અન્યો સાથે રમે છે. કેટલીક સ્પર્ધાઓમાં કુપન્સ પણ ઈનામના રૂપમાં દૈનિક વિજેતાઓને આપવામાં આવે છે. 
લોકડાઉન ખાસ કરીને બાળકો માટે તણાવપૂર્ણ સમય છે પરંતુ અત્યારે આવી સ્પર્ધાઓ ગભરાટ ઓછો કરવા માટે જ નહીં પરંતુ સમુદાયની એકતાની ભાવના વિકસાવવાનો પણ છે, એમ કાંદિવલીની સોસાયટીનાચેરમેન પી. પટવર્ધને કહ્યું હતું.  
વધુમાં, રહેવાસીઓ દરરોજ સાંજે 6.30 થી 6.45 ની વચ્ચે પોતાની બાલ્કનીઓમાં ઘંટડીઓ વગાડવા, મંત્ર બોલવા અને તાળીઓ પાડવા માટે આવે છે અને એકબીજાના સારા સ્વાસ્થ્યની કામના કરે છે.  કેટલાંક રહેવાસીઓ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મથી યોગ અને ઝુમ્બા વર્ગોમાં પણ ભાગ લઈ રહ્યા છે. 
સમુદાયના મનોરંજનની સાથે સોસાયટીએ રહેવાસીઓમાં કોરોનાના પ્રસારને રોકવા અન્ય પગલા લીધા છે.  રહેવાસીઓ લિફ્ટના બટન દબાવવા માટે દિવાસળીનો ઉપયોગ કરે છે અને સોસાયટીમાં જીવાણુનાશકોના છંટકાવથી સાપ્તાહિક સફાઈ કરી રહ્યા છે, એમ રહેવાસી મહેશ બિનાનીએ જણાવ્યું હતું. 
બહારની કોઈ વ્યક્તિને કોમ્પલેક્ષમાં પ્રવેશ નથી પાતો તેથી સ્વયંસેવકો રહેવાસીઓ માટે આવશ્યક ચીજો પૂરી પાડે છે, અને વૃદ્ધ નાગરિકોની આવશ્યકતાઓને પૂરી કરે છે કારણ કે એકલા રહેતા સિનિયર સિટિઝન્સ અને સગર્ભા મહિલાઓ હોય એ સિવાયના ઘરોમાં નોકર-ચાકરના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.  બિનાનીએ જણાવ્યું હતું કે, સુરક્ષા કર્મચારીઓને સેનિટાઈઝર્સ, માસ્ક અને રાજિંદી આવશ્યક ચીજો આપવામાં આવે છે.  
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer