હાઉસિંગ સોસાયટીઓને શાકભાજી પહોંચાડવાના ધંધામાં ગઈ ખોટ

મુંબઈ, તા. 6 : સસ્તા ભાવે મુંબઈગરાઓને તેમની હાઉસિંગ સોસાયટીમાં શાકભાજી અને ફળો મળે એ માટે ત્રણ પ્રોફેશનલ્સે બીડું ઝડપ્યું હતું.  બોરિવલી, ડોંબિવલી અને કલ્યાણના ત્રણ બિઝનેસ પ્રોફેશનલ્સે મુંબઈગરાને તેમની સોસાયટીમાં સારું અને ઓછા દરે શાકભાજી અને ફળો પહોંચાડવાનું નક્કી કર્યું ત્યારે તેમને ખબર હતી કે આ ખોટના ધંધાની સાથે ઘણો બગાડ પણ થશે.  ગયા અઠવાડિયે, મહારાષ્ટ્ર સરકારે હાઉસિંગ સોસાયટીઓને જણાવ્યું હતું કે, વિક્રેતા સાથેના સહયોગમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સીધી સોસાયટીમાં પહોંચાડવાની વ્યવસ્થા કરે, જેથી લોકો ઘરની બહાર ન જાય. 
શાકભાજીના ભાવોમાં વધારો થતો હોવાથી અમે મુંબઈગરાના સસ્તા ભાવે શાકભાજી પૂરા પાડવાનું વિચાર્યું. પરંતુ નાશિકની બજારો અનિશ્ચિત હોવા ઉપરાંત અમને પુરવઠો પણ થોડા દિવસો બાદ મળતો હોવાનું ડોંબિવલીની પાલવ સિટી હાઉસિંગ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા ગ્રુપના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. 
ત્રણેએ બે હજાર કિલો શાકભાજી અને ફળો ખરીદવાનું નક્કી કર્યું હતું. અમે વૉટ્સઍપ મેસેજ પણ મોકલ્યા. અમને બોરિવલી અને કાંદિવલીથી ઓર્ડર મળશે એવી અપેક્ષા હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અમને પેડર રોડથી લઈ મીરા રોડની સોસાયટીઓના ઓર્ડર મળ્યા. મને 500 થી 100 ફ્લેટ્સ ધરાવતી 50 જેટલી મોટી સોસાયટીમાંથી ઓર્ડર મળ્યા, એમ બોરિવલીસ્થિત પ્રોફેશનલે જણાવ્યું. 
ગ્રુપે નાશિકમાં વાહન બુક કર્યું જેમાં ઘોટી માર્કેટમાંથી શાકભાજી ભરવામાં આવ્યું. જોકે માર્કેટ ચોક્કસ સમય માટે ખુલતી હોવાથી અને ત્યાં આવતા બે હજાર જેટલા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી ટ્રાફિક પોલીસને એ બંધ કરવાની ફરજ પાડતી. અમારા કામદારો રિક્ષામાં આજુબાજુ જઈ કોઈ વિક્રેતા છે કે નહીં એની શોધ ચલાવતા. આખો દિવસ અમે શોધ ચલાવી પણ ખાસ ફાયદો ન થયો. રવિવાર બપોર સુધીમાં માંડ અડધી ટ્રક ભરાઈ. જોકે એમાંય કોથમીર અને કાકડી જેવા જલદી ખરાબ થાય એવા શાકભાજી હતા. એક દિવસમાં મારે 25 હજાર રૂપિયાની ખોટ ગઈ એમ ગ્રુપના એક સભ્યએ જણાવ્યું હતું. 
આ બધા અવરોધોને કારણે પુરવઠો ઓછો આવતો હોવાનું ત્રિપુટીએ જણાવ્યું. શાકભાજીનો પુરવઠો ઓછો આવતો હોવાથી વિક્રેતાઓ જૂનો માલ વેચી રહ્યા છે અને મુંબઈગરા એ ખરીદવા સ્થાનિક માર્કેટમાં ભારે ભીડ કરે છે.
અમારી યોજના ભીડ ઘટાડવાની હતી, પરંતુ પુરવઠાના અભાવે શક્ય ન બન્યું. હવે સ્થાનિક બજારોની ભીડ ઘટાડવા એને ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવી, એ જ રીતે હોલસેલ માર્કેટને પણ ખસેડવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer