કોરોના વાઈરસે કરિયાણાની દુકાનોને જીવતદાન આપ્યું

કોરોના વાઈરસે કરિયાણાની દુકાનોને જીવતદાન આપ્યું
મણિલાલ ગાલા તરફથી 
મુંબઈ,તા.6:કોરોના વાઈરસના પ્રકોપને પગલે નાના મોટા કરિયાણાવાળાઓના વેપારને નવજીવન મળ્યું છે અને છેલ્લા પંદર દિવસથી તેઓ સારો વેપાર કરી રહ્યા છે. 24 માર્ચની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું રાષ્ટ્રીય લૉકડાઉન જાહેર કર્યું એ રાતથી જ ગલી ગલીની નાની મોટી દુકાનો પર લાઈનો લાગી ગઈ હતી. 
 જાહેર પરિવહન બંધ થતાં લોકોને તેમના ઘરથી દૂર આવેલા મૉલમાં ખરીદી કરવા જવાનું મુશ્કેલ બન્યું હતું અને હવેતો પેટ્રોલ પંપો પણ આવશ્યક સેવાઓ સિવાયના ખાનગી ફોર વ્હીલર કે ટુ વ્હીલરોને પેટ્રોલ કે ડીઝલ આપવાનું બંધ કરતાં લોકો તેમના વિસ્તારના નજીકના કરિયાણાવાળા પાસેથી જીવનાવશ્યક ચીજો ખરીદી કરી રહ્યા છે. વધુમાં મૉલમાં હવે લાઈન લગાવવી પડે છે અને ટૉકન આપવામાં આવે છે પરિણામે તેની નજીક રહેવાવાળા જ મૉલમાં જાય છે. 
મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસીયેશનના પ્રમુખ રમણિકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે દેશ સામેના આ કપરા કાળમાં રીટેલ દૂકાનદારો લોકોની સારી સેવા બજાવી રહ્યા છે , તેઓ વાજબી ભાવે માલ વેચી રહ્યા છે એટલે દેખીતી રીતે લોકો વેપારીઓની આ સેવાની નોંધ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પણ રીટેલ દુકાનદારો વાજબી ભાવથી માલ વેચતા રહેશે એવી અપીલ કરું છું.  હવે જીવનાવશ્યક ચીજોનો પુરવઠો પૂર્વવત થઈ રહ્યો છે અને દેશમાં તેની કોઈ અછત નથી, આથી ગ્રાહકોને માલ નહીં મળે એવી ચિંતા કરવાની જરૂર નથી, એમ પણ રમણિકભાઈએ જણાવ્યું હતું. 
દરમિયાન હજી ટ્રાસ્પોર્ટની ગાડીઓ ઓછી મળે છે એથી ભાવમાં પાંચથી દશ ટકાનો વધારો થયો છે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer