મહારાષ્ટ્રમાં હવે રોજના પાંચ હજાર નમૂનાના ટેસ્ટને પગલે ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે

મહારાષ્ટ્રમાં હવે રોજના પાંચ હજાર નમૂનાના ટેસ્ટને પગલે ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ તા. 6: મુંબઈમાં કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાની સમીક્ષામાં બહાર આવ્યું છે કે 100 દરદીનો આંકડો પાર કર્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં પોઝિટિવ દરદીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે.પાંચ એપ્રિલે, એક જ દિવસમાં 81 પોઝિટિવ કેસ સાથે મુંબઈમાં કોરોનાના અસરગ્રસ્તોની સંખ્યા 458 થઈ હતી. અંધેરીના બે દરદી મળ્યા 11 માર્ચના, ત્યારબાદ 100 દરદીનો આંકડો પાર કરવામાં મુંબઈને 15 દિવસનો સમય લાગ્યો હતો. માર્ચ 31ના 100 દર્દીઓનો આંકડો ઓળંગીને 151 પર પહોંચ્યો હતો. પરંતુ ત્યાર બાદ ફક્ત પાંચ દિવસમાં કેસો ત્રણ ગણો વધી ગયા હોવાથી કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યાનું જણાઈ રહ્યું છે. 2 એપ્રિલના શહેરમાં 200 દરદીનો આંકડો (235 કેસ) વટાવ્યો. એપ્રિલ 4 સુધીમાં, બીજા 100 પોઝિટિવ કેસ નોંધાયા, જેની સંખ્યા 377 થઈ ગઈ અને રવિવારે 5 એપ્રિલના 24 કલાકમાં વધુ 81 કેસની પુષ્ટિ થઈ. 
આ જ રીતે, કોરોનાના વાયરસને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. આજ સુધીમાં શહેરમાં 30 મૃત્યુ નોંધાયા છે;  કસ્તુરબા હોહસ્પિટલમાં કોરોનાના કારણે પહેલું મૃત્યુ 17 માર્ચે 64 વર્ષીય વ્યક્તિનું નોંધાયું હતું.ત્યારબાદ 10 વ્યક્તિના મૃત્યુ 13 દિવસમાં થયા અને પછી મૃત્યુનું પ્રમાણ ત્રણ ગણું થઈ ગયું, 5 એપ્રિલ સુધીમાં શહેરમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા 30 થઈ ગઈ. 
રાજ્યના રોગ સર્વેલન્સ અધિકારી ડો. પ્રદિપ આવતેએ જણાવ્યું હતું કે,  કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવાનું કારણ એ છે કે આપણે એક દિવસમાં પરિક્ષણો (ટેસ્ટ)ની સંખ્યા 1,000 નમૂનાઓથી 50000 નમૂના સુધી વધારી છે. 
મહારાષ્ટ્ર સરકાર તરફથી હાલમાં 13 સરકારી અને આઠ ખાનગી લેબમાં મળી દરરોજ કોરોના વાયરસના 5,500 નમૂનાઓનું પરીક્ષણ થઈ રહ્યું છે. ઓવાતે જણાવ્યું હતું કે,મુંબઈમાં ગીચ વસ્તીનીને ધ્યાનમાં રાખીને પાલિકાએ વાયરસના વધુ ફેલાવાને રોકવા કન્ટેન્ટમેન્ટ ઝોન પહેલેથી જ ઓળખી કાઢ્યા છે. 
મુંબઈ પાલિકાએ તમામ કન્ટેન્ટમેન્ટ ઝોન અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં 10 કોરોના ક્રીનીંગ ક્લિનિક્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે.  રવિવારે કેસોમાં વધારાનું કારણ ખાનગી લેબ્સ દ્વારા કેસોની પુષ્ટિ છે, પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષણના વધારાના કારણે કેસો વધવાનું આવું વલણ 15 એપ્રિલ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે વાયરસના વાસ્તવિક ફેલાવાની જાણકારી માટે પૂરતા પ્રમાણમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer