મુંબઇગરાને પાણી મળી રહે એ માટે સૈનિકની જેમ કામ કરતા પાલિકા કર્મચારીઓ

મુંબઇગરાને પાણી મળી રહે એ માટે સૈનિકની જેમ કામ કરતા પાલિકા કર્મચારીઓ
મુંબઇ, તા. 6 : રોજ સવારના પાંચ વાગતાં મુંબઇના વિવિધ વિસ્તારોમાં બેડાં અને માટલા મંજાવાનો અવાજ તથા બાલ્દીઓનો ખખડાટ શરૂ થઇ જાય છે અને નળમાં પાલિકાનું પાણી આવે છે. ત્યારથી લઇને દિવસ દરમિયાન અલગ અલગ સમયે મુંબઇના વિવિધ વિસ્તારોમાં પાલિકા પાણી  પહોંચાડે છે. હાલમાં ચાલી રહેલા લોકડાઉનમાં પણ એકે દિવસ મુંબઇગરા પાલિકાના પાણી વગરના રહ્યા નથી. આનું શ્રેય જાય છે પાણી પહોંચાડવાના વિભાગમાં કાર્યરત પાલિકા કર્મચારીઓને. તેઓ આ કપરા સમયમાં સૈનિકની જેમ જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવવા પહોંચી જાય છે. તેઓ આને સમાજ સેવા ગણે છે.  
તળોજા પાસે આવેલા નવાડે ગામમાં રહેતો અંકુશ ખાનવકર સવારના સાડા છ વાગ્યે પોતાના મોટરબાઇક પર નીકળી જાય છે અને સૂમસામ રસ્તા પર 30 મિનિટનું ડ્રાઇવિંગ કરીને પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ટ્રીટમેન્ટ પ્લાનટની પ્રથમ પાળીમાં કામ કરવા હાજરી પુરાવે છે. અંકુશની જેવા જ મુંબઇ અને રાજયભરમાં રહેલા સેંકડો વોટર પમ્પ ઓપરેટરો લોકડાઉનમાં પણ દરેકના ઘરમાં પાણી પહોંચે તેની કાળજી રાખે છે. આપણને એમ થાય કે આ વોટર ઓપરેટરે માત્ર પમ્પ ચાલુ અને બંધ કરવાનું જ  કામ કરવાનું હોય, એમાં વળી શું? પરંતુ ના, આ કામ જેટલું દેખાય છે એટલું સરળ નથી. ઘરના નળ સુધી પાણી પહોંચે તે પહેલાં અને પછી ઘણું કામ કરવાનું હોય છે. આમાં માત્ર એક કે બે કર્મચારી નહીં પરંતુ દસથી બાર જમાની એક ટીમે સાથે મળીને કામ કરવું પડે છે. પમ્પ ચાલુ બંધ કરવા સાથે તેમાં પાણીનો પ્રવાહ કેટલો જાય છે તથા ક્લોરિનનું પ્રમાણ કેટલું ભળે છે તે બધી બાબતોની દેખરેખ રાખવી પડે છે. 
લોકડાઉનને લીધે કર્મચારીઓને આંતરે દિવસે ફરજ પર બોલાવવામાં આવે છે. એટલે ટીમમાં જરૂરી માણસોની સંખ્યા ઓછી થતાં જે હાજર હોય તેમણે બમણું કામ કરવું પડે છે. અંકુશે કહ્યું કે, હું ઘરની બહાર નીકળતાં જ માસ્ક પહેરી લઉં છું. કામ કરતી વખતે અમે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ છીએ. પમ્પ કે મસીનને જેટલી વાર હાથ લગાડીએ તે પછી સાબુથી હાથ ધોઇએ છીએ. વળી રાતના ઘરે પહોંચું એટલે ઘરની બહાર ચંપલ કાઢવા સાથે સેનેટાઇઝરથી હાથ સાફ કરું છું. ઘરમાં જઇને કશું પણ અડતા પહેલાં કપડાં બદલું છું અને હાથ-પગ મોઢું સાબુથી ધોઇ લઉં છું . મારો નાનો દીકરો ચાર મહિનાનો છે એટલે અમે ખૂબ કાળજી રાખીએ છીએ.    
હેલ્થ  કેર વર્કરોની જેમ જ રોજીંદા જીવનને સુચારુ રાખવામાં સહભાગી થતાં પાલિકા કર્મચારીઓને પણ સલામ.   
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer