કોરોના વિરુદ્ધની લડત નિર્ણાયક તબક્કામાં કોરોનાની શંકા ધરાવનારાઓ તત્કાળ તબીબોનો સંપર્ક સાધે : અજિત પવાર

કોરોના વિરુદ્ધની લડત નિર્ણાયક તબક્કામાં કોરોનાની શંકા ધરાવનારાઓ તત્કાળ તબીબોનો સંપર્ક સાધે : અજિત પવાર
મુંબઈ, તા. 6 : કોરોના વાઈરસ વિરુદ્ધ મહત્ત્વનો અને નિર્ણાયક તબક્કો શરૂ થયો છે. તેથી જે નાગરિકોમાં કોરાનાના લક્ષણ છે અથવા જેઓને પોતાને કોરોના હોવાની શંકા છે તેઓએ હવે સંતાઈને બેસવાને બદલે આરોગ્ય ખાતાનો કે તબીબોનો તત્કાળ સંપર્ક સાધવો. કોરોના વિરુદ્ધની લડાઈ ઝડપથી પૂરી થાય એ માટે જેઓને પોતાને કોરોના હોવાની શંકા છે એવા લોકોએ બહાર આવવું જોઈએ એવો આગ્રહભર્યો અનુરોધ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા દરરોજ વધી રહી છે. આમ છતાં હજી કેટલાંક લોકો આ પરિસ્થિતિની ગંભીરતા હજી સમજતા નથી. એ બાબત કમનસીબ છે. વડાપ્રધાન મોદીએ ઘરના બારીબારણા ઉપર દીવા કરવાનું કહેવા છતાં મશાલ હાથ લઈ પરિવાર સાથે રસ્તા ઉપર ઉતરવું અને ફટાકડાં ફોડી આગ માટે કારણભૂત થવું એ બાબત બેદરકારી જ દેખાડે છે. તબીબો, નર્સો અને સફાઈ કામદારોમાં પણ કોરોનાના લક્ષણ દેખાય છે તે ચિંયાજનક છે. તેથી કોરોનાની સાંકળી કે ચેન તોડવી જરૂરી છે.
લોકડાઉનને કારણે દેશમાં આર્થિક મંદીની સમસ્યા સર્જાશે. તે સમસ્યા પછીથી હલ થઈ શકે એમ છે. જોકે હાલ બધાએ સંગઠિત થઈને કોરોના વાઈરસના ઉપદ્રવ સામે લડવાની જરૂર છે એમ પવારે ઉમેર્યું હતું.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer