મુંબઈમાં 5,246 વ્યક્તિ દીઠ માત્ર એક આઈસોલેશન બેડ

મુંબઈમાં 5,246 વ્યક્તિ દીઠ માત્ર એક આઈસોલેશન બેડ
પાલિકા આ સંખ્યા બમણી કરવાના પ્રયાસમાં, નિષ્ણાતો કહે છે કોરોના સામેના જંગ માટે પર્યાપ્ત નથી 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.6 : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના દરદીઓની સંખ્યા વધતી જાય છે તેની સામે સારવાર માટે કેટલી પર્યાપ્ત વ્યવસ્થા છે એ વિશે ચોંકાવનારી હકિકતો બહાર આવી રહી છે. વર્ષ 2011ની વસતી ગણતરી પ્રમાણે મુંબઈની વસતી 1.84 કરોડની છે અને શહેરની હોસ્પિટલોમાં મળીને માત્ર 3,500 આઈસોલેશન બેડ્સ  છે અર્થાત 5,246 રહેવાસી દીઠ એક અલગ પલંગ. હવે પાલિકા પથારીની સંખ્યા બમણી કરવાની યોજનામાં છે, પરંતુ  આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે મુંબઈની વસતી જોતા આ બમણી સંખ્યા પણ પૂરતી નથી. 
પાલિકાના સર્વેના દસ્તાવેજો બતાવે છે કે મુંબઈમાં હાલમાં વિવિધ હોસ્પિટલોમાં મળી2,107 આઈસોલેશન બેડ છે.  પાલિકા દ્વારા સેવન હિલ્સ હોસ્પિટલમાં અઠવાડિયાના અંત સુધીમાં પથારીની સંખ્યા વધારીને 1,500 કરશે એટલે શહેરમાં કુલ આઈસોલેશન બેડ્સની સંખ્યા વધીને 3,507 થઈ જશે. હાલમાં, પાલિકાએ દેશની સૌથી વધુ બેડ્સ ધરાવતી આ હોસ્પિટલમાં 100 આઈસોલેશન બેડ શરૂ કર્યા છે અને 20 આઈસીયુ પણ ઉમેરાશે. 
જન સ્વાસ્થ્ય અભિયાનના કાર્યકર ડો અભિજિત મોરેએ જણાવ્યું હતું કે, મુંબઈ જેવા મહાનગરમાં હાલમાં પણ આ સંખ્યા અપૂરતી છે.  જો સમુદાય સંક્રમણ શરૂ થાય તો દરદીઓને અલગ પથારી પૂરી પાડવાનું પૂરતું નથી,પલંગ ઉપરાંત, પાલિકાએ નિવૃત્ત ડોકટરો અને તબીબી કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા તૈયાર રહેવાની અપીલ પણ કરવી જોઈએ આખી બેકઅપ યોજના તૈયાર થવી જોઈએ. 
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ડેટા મુજબ, જાપાન અને કોરિયા પાસે હોસ્પિટલોમાં 1000 નાગરિકો દીઠ 10 થી વધુ પલંગ છે.  રશિયા, જર્મની, પોલેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોમાં 1000 લોકો દીઠ પાંચથી વધુ અલગ પલંગ છે. 
કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા (સીજીએસઆઈ) ના જનરલ સેક્રેટરી ડો મનોહર કામથે જણાવ્યું હતું કે, મુંબઈમાં અઈસોલેશન બેડ્સની સંખ્યા ઓછી છે, તેમાં અચાનક વધારો થવાની અપેક્ષા રાખવી વાજબી નથી.  કોરોનાના કેસો વધવાના છે કારણ કે આપણે સંપર્ક અને સમુદાય ટ્રાન્સમિશનની બોર્ડર પરછીએ. સરકારને વ્યવસ્થા માટે સમય લાગશે કારણ કે આપણી પાસે ઈનબિલ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જે યુએસમાં પણ નહોતું.  સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 
જો કોરોનાવાયરસ વધુ ફેલાય તો બેક-અપ પ્લાન તૈયાર છે,  પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાલિકા સંચાલિત વિવિધ હોસ્પિટલોમાં વધારાના 3,000 આઈસોલેશન પલંગ સ્ટેન્ડ-બાય મોડ પર છે.  સેંકડો આઈસોલેશન પલંગ બિનઉપયોગી છે, કારણ કે તમામ સરકારી અને પાલિકાની હોસ્પિટલોમાં નોન-ઈમરજન્સી સારવાર બંધ થઈ ગઈ છે, જેના કારણે દરદીઓની સંખ્યામાં ઘટી છે.  પાલિકાના આરોગ્ય વિભાગના અતિરિક્ત કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, જો આપણે ઈમરજન્સી સર્વિસના પલંગને ઉમેરીએ તો આ આંકડો બમણો થઈ જશે. 
કાકાનીએ કહ્યું કે પાલિકાએ પેરિફેરલ અને સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બેડને બે તબક્કામાં વહેંચ્યા છે.  પ્રથમ તબક્કામાં કસ્તુરબા હોસ્પિટલમાં 125, રાજાવાડી હોસ્પિટલમાં100, કુર્લાની કેબી ભાભા હોસ્પિટલમાં100, એચબીટી ટ્રોમા હોસ્પિટલમાં100અને બાંદ્રાની કેબી ભાભા હોસ્પિટલમાં50 પથારીનો સમાવેશ થાય છે.  પાલિકાના આંકડા મુજબ, મંગળવાર સુધીમાં આ 475 પથારીમાંથી 176પથારીઓ પર દરદીઓ હતા. 
બીજા તબક્કામાં પાલિકાએ આંખની હોસ્પિટલ, સૂર્ય પ્રસૂતિ હોસ્પિટલ, ભગવતી હોસ્પિટલ, મા હોસ્પિટલ સહિતની અન્ય 13 હોસ્પિટલોની મળીને કુલ 555 આઈસોલેશન બેડ સુવિધાની યાદી તૈયાર કરી છે.બીજા તબક્કાને પ્રથમ તબક્કાના વિસ્તરણ માટે રાખ્યો છે.  
પાલિકાની હોસ્પિટલો ઉપરાંત સરકાર સંચાલિત સર જેજે ગ્રુપ હોસ્પિટલ્સમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ (આઈસીયુ) સાથે 685 આઈસોલેશન બેડ છે.  બે રેલ્વે હોસ્પિટલોમાંથી સેન્ટ્રલ રેલ્વે હોસ્પીટલે 30 પથારી રાખી છે અને પશ્ચિમ રેલ્વેની જગજીવન રામ હોસ્પિટલમાં 10 પથારી છે.  મુંબઈ પોર્ટ ટ્રસ્ટે પણ 50 આઈસોલેશન બેડની સુવિધા કરી છે. 
માર્ચમાં, પાલિકાએ કુલ 89 પલંગ ધરાવતી 10 ખાનગી હોસ્પિટલોની યાદી બહાર પાડી હતી, જેદરદીઓને તેમના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે સંમત થઈ હતી .હવે ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલો સહિત આ સંખ્યા 22 થઈ ગઈ છે, જેમાં કુલ પલંગ197છે. આ નવી યાદીમાં સાબુ સિદ્દીકી, સૈફી, ભાટિયા, વોકહાર્ટ, ગ્લોબલ, બીજે વાડિયા, શુશ્રુષા, હોલી ફેમિલી, એસઆરવી, હિન્દુ સભા, એલએચ હિરણંદની અને નાણાવટી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં લગભગ આમાંની 80 ટકા પથારી ખાલી છે, જે દર્શાવે છે કે મુંબઈમાં કોરોનાવાયરસ એટલી હદે ફાટી નીકળ્યો નથી.   
વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રે સંશોધન કરનારા અનંત ભંતેજણાવ્યું હતું કે, ભારત કરતા વધુ વસ્તી ધરાવતા ચીને 1000 માણસો દીઠ 4.3 પથારી અનામત રાખી છે; ભારતમાં 1000 લોકો દીઠ ફક્ત 0.5 પલંગ છે અને અમેરિકામાં પણ આઈસોલેશન બેડની ભારે અછત છે, આપણે બેડ્સની સાથે સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર અને રક્ષણાત્મક કિટ્સની પણ તૈયારીઓ રાખવી જોઈએ.
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer