કાંદિવલીના મહાવીર નગરમાં કોરોનાનો પોઝિટિવ કેસ બહાર આવતાં ફફડાટ

કાંદિવલીના મહાવીર નગરમાં કોરોનાનો પોઝિટિવ કેસ બહાર આવતાં ફફડાટ
દુબઈથી આવેલા દીકરાને ચેપ ન લાગ્યો, પરંતુ તેના પિતા ચેપગ્રસ્ત થયા: બે બિલ્ડિગ સીલ કરાઈ: સ્થાનિક રહેવાસીઓ માટે ફીવર કેમ્પનું આયોજન 
અમૂલ દવે તરફથી 
મુંબઈ, તા. 6 : કાંદિવલી વેસ્ટના મહાવીર નગરમાં એક ગુજરાતી વરિષ્ઠ નાગરિકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં આખા એરિયામાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 
રાજ આર્કેડ નામની બિલ્ડિગમાં રહેતા  72 વર્ષના સિનિયર સિટિઝનની ટ્રાવેલ હિસ્ટરી નથી, પરંતુ તેમનો પુત્ર દુબઈથી તાજેતરમાં આવ્યો હતો. જોકે દીકરાની પ્રતિકાર શક્તિ વધુ હોવા તેને કોરોના લાગુ પડ્યો નહોતો, પરંતુ તેના પિતાને કોરોના થયો હતો.  
આ પોઝિટિવ કેસ મળતાં પાલિકા અને પોલીસ અધિકારીઓ અને આખું સ્થાનિક પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. સોસાયટીની બે વિંગને સીલ કરાઈ હતી. કોરોના ફેલાય નહીં એ માટે પાલિકાએ મહાવીર નગરમાં મંગળવારે (આજે) ફિવર કેમ્પનું આયોજન કર્યું છે. રાજ આર્કેડ સંકુલમાં કુલ સાત મકાનો છે અને તમામ રહેવાસીઓનું ટેસ્ટિગ અને થર્મલ ક્રાનિંગ કરાશે.  
આ વિસ્તારના પાલિકાના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે આ સિનિયર સિટિઝનને શુક્વારે તાવના લક્ષણો દેખાતા તેનો ટેસ્ટ કરાયો હતો. સોમવારે તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાઇ રિસ્ક કોન્ટેકમાં તેમના કુટુંબીજનોનો સમાવેશ થાય છે. પાલિકા ઓફિસરે ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે સિનિયર સિટિઝન દરદીનો પુત્ર  દુબઈથી 21 માર્ચે આવ્યો હોવા છતાં આ જ્યેષ્ઠ નાગિરકે તેને સેલ્ફ ક્વોરૅન્ટાઇન કર્યા નહોતા. તેઓ લોકડાઉન છતાં તેમના સિનિયર સિટીઝનના ગ્રુપના અનેક સભ્યોને નિયમિત રીતે મળતા હતા. હવે અમારે તેમના કોન્ટેક શોધી કાઢવા તેમના પડોશી અને બીજા લોકોને એવી અપીલ કરી છે કે જો તેઓ આ સિનિયર સિટીઝનના સંપર્કમાં આવ્યા હોય તો તેઓ સામેથી પાલિકા ઓફિસર સમક્ષ હાજર થાય.  
એ સોસાયટીના લોકોના અસહકારની ફરિયાદ કરતાં મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે અમારી વિનંતી છતાં સોસાયટીના સેક્રેટરી નીચે આવવા તૈયાર થતા નહોતા. પોલીસે પણ ઘણી મથામણ કરી છતાં સેક્રેટરી તથા કોઈ મેમ્બર નીચે આવ્યા નહોતા. છેવટે નગરસેવિકા પ્રતિભા ગિરકરે દરમ્યાનગીરી કરી હતી. માઇક પર એનાઉન્સમેન્ટકરીને મેડિકલ ઓફિસરનો મોબાઇલ નંબર આપીને વોટ્સએપ પર સંપર્ક કરવાની વિનંતી કરાઈ હતી.  
નગરસેવિકા પ્રતિભા ગિરકરે જણાવ્યું હતું કે અમે બે વિંગ સીલ કરી  છે. આ સંકુલમાં સાત વિંગ છે. એક પોઝિટીવ કેસ આવે તો લોકો મકાનની નીચે ઉતરતા પણ ગભરાય છે. સેક્રેટરી અમારી અપીલ છતાં નીચે આવ્યા નહોતા. ચેરેમેનની વય 70ની ઉપર હોવા છતાં તેઓ નીચે અમને મળવા આવ્યા હતા, પરંતુ તેમને હાઇ રિસ્ક હોવાથી અમે તેમને ઘરે મોકલી દીધા હતા અને તેમના પુત્રને મોકલવાનું કહ્યું હતું. અમે તેમના પુત્રને બધી સમજણ પાડી હતી. સાત મકાનના મોટા ભાગના રહેવાસીઓ પાસે જીવનાવશ્યક વસ્તુઓનો પુરવઠો છે. આમ છતાં કન્ટેનમેન્ટ દરમ્યાન કોઈને દૂધ અને બીજી આવશ્યક વસ્તુઓ જોઈતી હોય તો અમે દરેક વિંગમાંથી બે સ્વયંસેવકોના નામ માગ્યા હતા, પરંતુ કેટલાક મકાનમાંથી કોઈ આગળ આવ્યું નહોતું. આથી અમે એમ માની લઈએ છીએ કે તે મકાનના લોકો પાસે આવશ્યક વસ્તુઓનો પુરતો સ્ટોક છે. નગરસેવિકાએ ફરિયાદ કરી હતી કે લોકો સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરતાં નથી. સિનિયર સિટીઝન તો અમારી વાત જ માનતા નથી. 
મહાવીર નગરની જાણીતી ખાઉગલી આ સોસાયટીની નીચે છે. હાલમાં તો ખાઉગલી બંધ છે, પરંતુ અહીં કમ્યુનિટી પ્રેડનો ડર છે. બિલ્ડિગની નીચે બે મેડિકલ સ્ટોર, એક બેંક  અને સામે ડિમાર્ટનો સ્ટોર પણ છે. આ વૈભવશાળી વિસ્તારમાં મોટા ભાગે ગુજરાતી લોકો રહે છે. અહી પોઝિટિવ કેસ આવતાં લોકોમાં ચિંતા ફેલાઈ છે. 
Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer