વૈશ્વિક સોનામાં ફરી સુધારો

વૈશ્વિક સોનામાં ફરી સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબૅકઈ,  તા. 22 : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ આગલા દિવસે તૂટ્યાં પછી પ્રત્યાઘાતી તેજીમાં ફરી સુધરી જવા પામ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુધ્ધ મુદ્દે ચિંતા ચાલી રહી છે એટલે ડોલરના મૂલ્યમાં સુધારો થવા છતાં સોનાના ભાવ ઘટી શક્યા ન હતા. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1735 ડોલર પ્રતિ ઔંસ હતો. ચાંદી પણ સુધરીને 17 ડોલરની સપાટીએ હતી. 
ચીન અને અમેરિકાના આર્થિક સંબંધો ફરીથી વણસી રહ્યા હોવાથી ઇક્વિટી અને અન્ય માર્કેટમાં મંદી આવી હતી. પરિણામે સલામત સોનાની ખરીદી વધી હોવાનું કોમર્સ બેન્કના વિશ્લેષકે કહ્યું હતુ. છેલ્લાં કેટલાક અઠવાડિયાથી બન્ને દેશો વચ્ચે કોરોનાના જન્મસ્થાન મુદ્દે વાતાવરણ ગરમાયું છે. ચીને હોંગકોંગ પર સિક્યુરીટી લો લાદવા માટે પ્રસ્તાવ મૂક્યો છે એ મુદ્દે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ચિંતા વધી રહી હોવાથી સોનામાં સલામત રોકાણની માગ વધી છે. 
વિશ્વના મોટા  મોટાં અર્થતંત્રોના આર્થિક વિકાસની બાબત પણ નાની નથી. બીજીંગે વાર્ષિક વિકાસદરનો લક્ષ્યાંકપણ ઘટાડી નાંખ્યો છે. કોરોનાને કારણે હવે અનિશ્ચિતતાના વાદળો ઘેરાઇ ગયા છે. બુલિયન બજારમાં એ કારણે ઘટાડો આવે તો પણ તે ટકાઉ રહેતો નથી. સોનું ટેકનિકલ રીતે 1700 ડોલરની સપાટીએ જળવાઇ રહ્યું છે. આ સ્તર ટેકારુપ છે. તૂટે તો 1680 જોવા મળી શકે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ. 200ના ઘટાડામાં રુ. 46,200 અને મુંબઇમાં રુ. 212 વધતા રુ. 47,100 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રુ.300ના ઘટાડે રુ. 46000 અને મુંબઇમાં રુ. 255ના ઘટાડામાં રુ. 47,045 રહી હતી. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer