સરકાર કૃષિ એમએસએમઈ કેટેગરીનું નિર્માણ કરશે : ગડકરી

સરકાર કૃષિ એમએસએમઈ કેટેગરીનું નિર્માણ કરશે : ગડકરી
નવી દિલ્હી, તા.22 : લોકડાઉન બાદ બિઝનેસ પેટર્ન તદ્દન બદલાઈ જશે. નવિનીકરણ, ઉદ્યોગસાહસિકતા, જ્ઞાન અને ડિજિટલ ટેકનોલોજી બિઝનેસના ચાર મૂળ સ્તંભ હશે તેથી ભારતે પરંપરાગત પ્રણાલીથી ડિજિટલ પ્રણાલીમાં કાયાપલટ કરવુ જોઈએ, એમ માર્ગ પરિવહન અને એમએસએમઈના કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીએ કોન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના 57મા વિડિયો કોન્ફોરન્સમાં કહ્યું હતું. દેશના 100થી પણ વધુ અગ્રણી ટ્રેડર્સે આ કોન્ફોરન્સમાં ભાગ લીધો હતો. 
એમએસએમઈ ક્ષેત્ર અંતર્ગત વેપારીઓની માગને ધ્યાનમાં રાખવામાં આવશે એવુ આશ્વાસન વ્યક્ત કરતા ગડકરીએ ઉમેર્યું કે, વેપારીઓ બિઝનેસની નવી તકો જોતા રહે અને પોતાને ટેકનોલોજી સજ્જ રાખે તે પણ દેશના અર્થતંત્ર માટે જરૂરી છે. લોકડાઉનના ગાળામાં પણ અત્યાવશ્યક ચીજ-વસ્તુઓની સપ્લાય અવિરત રાખતા ગડકરીએ વેપારી સમુદાય અને કેટના વખાણ કર્યા હતા. 
કોવિડ પરિસ્થિતિ બાબતે વાત કરતા તેમણે કહ્યું કે, સરકાર હવે એગ્રો એમએસએમઈ કેટેગરીનું નિર્માણ કરવાની વિચારણા કરી રહી છે, જેમાં એમએસએઈ ઉદ્યોગની યોજના ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવશે અને આ ઉદ્યોગ પોતાના ગામના વિકાસ માટે ફાળો આપશે. આ સિવાય સરકારની યોજના સ્માર્ટ ગામ, સ્માર્ટ સિટી, ઔદ્યોગિક કલ્સ્ટર્સ અને હાઈવેની બંને બાજુએ ઘણી સુવિધાઓ વિકસાવવાની છે. આ પહેલથી લોજિસ્ટીક ખર્ચમાં ઘટાડો થવા ઉપરાંત ઉર્જા અને મજૂર ખર્ચમાં પણ ઘટાડો થશે. જેથી એમએસએમઈ સ્પર્ધાત્મક ભાવે સારી ગુણવત્તાનો માલ તૈયાર કરી શકશે. 
વેપારીઓને સલાહ આપતા ગડકરીએ કહ્યું કે, લોકડાઉન બાદ અમૂક ફેરફાર થવા જરૂરી છે. વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોએ સકારાત્મકતા અને પોતાના પર વિશ્વાસ રાખવો પડશે. લોકો માનસિક રીતે કંટાળ્યા છે પરંતુ એકજૂથ થઈને આપણે કોરોના વિરુદ્ધની લડતમાં વિજય થશુ અને અર્થતંત્રને ફરી પાટે લાવીશુ. તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવીશું.  
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer