વિદ્યાર્થીઓને એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે

એક કોર્સ રેગ્યુલર મોડમાં જ્યારે બીજો કોરસપોન્ડન્ટ કે ઓનલાઇન થઇ શકશે 
નવી દિલ્હી, તા. 22 : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ વિદ્યાર્થીઓને એક સાથે એક સમયે બે ડિગ્રી અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જો કે એક સાથે બે અભ્યાસક્રમ કરનારા વિદ્યાર્થીએ એક ડિગ્રી પ્રોગ્રામ કોઇ પણ કોલેજ કે યુનિવર્સિટીના નિયમિત વિદ્યાર્થી તરીકે જ્યારે બીજી ડિગ્રીનો અભ્યાસક્રમ ઓપન કે કોરસપોન્ડન્ટ અથવા ઓનલાઇન થઇ શકે છે. ડિગ્રી વિવિધ પ્રવાહ (સ્ટ્રીમ)માં અને વિવિધ સંસ્થાઓ અથવા સમાન કોલેજથી પણ કરી શકાય છે. યુજીસીનું આ પગલું વિદ્યાર્થીઓને કારકિર્દીમાં વધુ સારી તક અને વિકલ્પ સુનિશ્ચિત કરવા માટેનું છે. 
દિલ્હી યુનિવર્સિટીનો ગણિતનો વિદ્યાર્થી હવે એક સાથે અન્ય કોઈપણ ડિગ્રી કોર્સ કરી શકે છે જેમ કે  ઇગ્નુ અથવા અન્ય કોઈ સંસ્થામાંથી અંગ્રેજી સાહિત્ય સહિતનો કોરસપોન્ડન્ટ કોર્સ કરી શકે છે. વિદ્યાર્થીઓની કારકિર્દીની સંભાવનામાં સુધારો લાવવાના પગલામાં યુજીસીએ વિદ્યાર્થીઓને એક જ સમયે બે ડિગ્રી પ્રોગ્રામ્સ ચાલુ કરવા દેવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે જો કે આ સંબંધી નિયમોની વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં તૈયાર કરીને બહાર પાડવામાં આવશે. 
યુજીસીના વાઇસ-ચેરપર્સન ભૂષણ પટવર્ધનના વડપણ હેઠળની સમિતિએ લોકોના પ્રતિસાદના આધારે આ પ્રસ્તાવ પર કામ કર્યું હતું.  સમિતિના માનવા મુજબ, નિયમિત ડિગ્રી કાર્યક્રમો સાથે ઓછામાં ઓછી હાજરીનો માપદંડ જોડાયેલ હોવાથી, બીજી ડિગ્રી કોરસપોન્ડન્ટ કે ઓનલાઇન મોડથા કરવાની છૂટ આપવી જોઈએ.  સમિતિને લાગે છે કે આનાથી વિદ્યાર્થીઓને કારકિર્દીની વધુ સારી તક અને વિકલ્પ પ્રદાન કરશે.  યુજીસીના સેક્રેટરી રજનીશ જૈને કહ્યું હતું કે, કમિશને આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને આ અંગેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં બહાર આવશે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer