મુંબઈ માટે કોઈ વિશેષ છૂટ છાટ નહીં દૂકાનો ફક્ત સાફ સફાઈ માટે ખોલી શકાશે

લૉકડાઉનની નવી નિયમાવલી અમલમાં આવી 
મુંબઈ,તા.22: રાજ્યના રેડઝૉન અને બિન રેડ ઝૉન માટે નવી નિયમાવલી શુક્રવાર,22 મેથી અમલમાં આવી હતી પરંતું મુંબઈ શહેરને કોઈ છૂટ છાટ આપવામાં આવી નહોતી, માત્ર બિન જીવનાવશ્ક ચીજોની દૂકાનોની સાફ સફાઈ કરવા કે પ્લાન્ટ અને મશીનરીના અપકીપ માટે તેમને સવારે 9 થી સાંજે પ વાગ્યા સુધી ખોલવાની છૂટ આપવામાં આવી હતી.  
 આ ઉપરાંત ખાનગી અને સરકારી મિલ્કતો ખાતે ચોમાસા પહેલાંની તૈયારી માટે રજા અપાશે જેની પરવાનગી સ્થાનિક વૉર્ડ ઓફિસમાંથી લેવી પડશે. રેડ ઝૉનમાંના મોટા ભાગના પ્રતિબંધો ચાલુ રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર ઈકબાલ સિંઘ ચહલે આ વખતે પાલિકાના કોઈ અલગ નિયમો જાહેર કર્યા નથી. 
 મુંબઈમાં દૂકાનો, મૉલ્સ અને ખાનગી ઓફિસો બંધ જ રહેશે છતાં સાફ સફાઈ, મેઈનટનંસ કે ફર્નિચરની જાળવણી માટે જ તે સવારે 9 થી સાંજે પાંચ વાગ્યા સુધી ખોલી શકાશે. હાઉસીંગ સોસાયટીઓને 
પણ ચોમાસા પહેલાંની તૈયારી માટે રજા અપાઈ છે. આ માટે પાલિકાની વૉર્ડ ઓફિસમાં અરજી આપવી પડશે.  
 ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર વેલફેર એસોસીયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે નિયમાવલી અંગે સ્પષ્ટતા જરૂરી છે. મજદૂરો અને રો મટિરીયલ ઉપલબ્ધ નહીં હોવાથી જાળવણીનું કામ સહેલું નહીં હોય. 
ઈલેકટ્રોનિક્સ અને હાર્ડવેર સ્ટોર્સને ખોલવા શરતી મંજૂરી આપવામાં આવી છે, પણ રેસ્ટોરાં નહીં ખૂલી શકે માત્ર તેઓ હોમ ડીલીવરી આપી શકશે.  
 મુંબઈમાં શરાબની દૂકાનો બંધ જ રહેશે. રીક્ષા અને ટેક્સીઓ પણ રેડ ઝૉનમાં બંધ રહેશે.માત્ર જીવનાવશ્યક પ્રવૃત્તિ માટે ખાનગી કાર ડ્રાઈવર ઉપરાંત મહત્તમ બે જણ સાથે દોડાવી શકાશે.  
 વિમાન, મેટ્રો , ટ્રેન બંધ રહેશે.આંતર રાજ્ય બસ પરિવહન પણ બંધ રહેશે.શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલો, ધર્મસ્થાનો બંધ રહશે. સલૂન બંધ રહેશે. બેન્કો, કૂરિયર અને પોસ્ટલ સેવા ચાલુ રહેશે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer