મુલુંડના વૃદ્ધાશ્રમના 18 સિનિયર સિટિઝન અને ત્રણ કર્મચારી કોરોના પોઝિટિવ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 22 : મુલુંડમાં ઘરડા ઘરના 18 વૃદ્ધો અને ત્રણ કર્મચારીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 75થી 94 વર્ષના આ વૃદ્ધોને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ કેન્દ્ર વૃદ્ધ કેદીઓ માટેની એક સુવિધા છે જેમને ચોવીસે કલાક સાર-સંભાળની જરૂર હોય છે.  ગયા અઠવાડિયે, ગૌશાળા રોડ પરની આ કેન્દ્રના 20 કેદીઓમાંથી એકને ઓપરેશનની પ્રક્રિયા માટે થાણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 
હોસ્પિટલમાં પ્રવેશ પહેલાં, ડોકટરોએ કોરોના ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો. પાલિકાના ટી વોર્ડના આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્ર શિંગણાપુરકરે જણાવ્યું હતું કે,  તેઓએ તરત જ અમારો સંપર્ક સાધતા સુવિધાના સંચાલકોને જાણ કરી હતી અને અમે અન્ય કેદીઓ અને કર્મચારીઓના ટેસ્ટ કર્યા હતા. બે સિવાય તમામ કેદીઓમાં ચેપ લાગ્યો હતો.  હોસ્પિટલમાં પોઝિટિવ આવેલાં 93 વર્ષીય વૃદ્ધાનું નિધન થયું હતું. 
તેમણે ઉમેર્યું કે, કેન્દ્રમાં કાર્યરત ત્રણ નર્સોમાંથી બેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ચેપ લાગ્યો ન હોય તેવા બે વૃદ્ધોને તેમના સંબંધીઓ ઘરે લઈ ગયા છે. અન્ય કર્મચારી, નર્સ અને ડોકટરો સહિત કે જેઓ નિયમિતપણે આ કેન્દ્રની મુલાકાત લેતા હતા, બધાએ સેલ્ફ કે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું પસંદ કર્યું છે.   
આ સુવિધાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કેન્દ્રમાં અમે સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવી રાખ્યા છે અને જરૂરી સામાજિક-અંતરનાં પગલાં લીધાં છે,  ટેસ્ટના રિપોર્ટ આવ્યાના લગભગ ત્રણ દિવસ પછી, જેને ખાસ કાળજી લેવાની જરૂર હતી તેમને હોસ્પિટલોમાં ખસેડવામાં આવશે. દરમિયાન ટી વોર્ડના સહાયક પાલિકા કમિશનર કિશોર ગાંધી, ધારાસભ્ય મિહિર કોટેચા અને સાંસદ મનોજ કોટકે હોસ્પિટલોમાં પથારીની વ્યવસ્થા કરવા કોલ કર્યા હતા, એમ દર્દીઓમાંથી એકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer