વીસ લાખ કરોડના આર્થિક પૅકેજમાં અમારા ભાગે કોઈ રાહત આવી નથી : વેપારીઓનો મત

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.22: કોરોના વાઈરસના પ્રકોપને લીધે દેશમાં ઉભી થયેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં વિવિધ ઉધોગો, ગરીબો, ખેડૂતો , મજદૂરો વગેરે માટે 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. જો કે દેશની વેપારી આલમને લાગે છે કે તેની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવી છે. આ સંબંધમાં કેટલાક વેપારી અગ્રણીઓનાં મંતવ્ય લીધાં હતાં જે અહીં રજૂ કર્યાં છે. 
 મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસીયેશનના પ્રમુખ રમણિકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે દેશના લગભગ છ કરોડ નાના મોટા વેપારીઓ અર્થતંત્રની કરોડરજ્જૂ છે, તેમને કોઈ રાહત પૅકેજ નહીં આપીને તેમની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. લૉકડાઉનના કારણે વેપારીઓની હાલત કફોડી થઈ છે. તેમને તદ્દન નજીવા દરના વ્યાજથી બેન્ક લોન મળવી જોઈએ અને લોનની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ. કાયદા સરળ હોવા જોઈએ, બેન્ક લોનમાં જામિનગીરી જોગવાઈ રદ કરવી જોઈએ. દરેક વેપારી મુક્ત વેપાર કરી શકે એ અતિ જરૂરી છે.  
 કૉન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેઈટ)ના વરિષ્ઠ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને નવી મુંબઈ મરચન્ટ્સ ચેમ્બરના ચેરમેન કીર્તિભાઈ રાણાએ જણાવયું હતું કે દેશ ભરના કરોડો વેપારીઓ વગર પગારનાં ટેક્સ કલેકટર છે, તેઓ સરકાર વતી ટેક્સ વસૂલી આપે છે. દિવસ રાત મહેનત કરે છે છતાં તેમને એક પણ રાહત અપાઈ નથી. રોકડ સબસીડી આપવી જોઈતી હતી. વિના વેપાર કર્મચારીઓનાં પગાર,લાઈટ,પાણી બીલ કેવી રીતે ચૂકવશે? તેમને લાયસંસ ફી, વ્યાજ માફ કરો. મારકેટ ફી માફ કરો. ટૉલ માફ કરો. તેમને ભલે કોઈ ઈલકાબ ન આપો પણ તેમના કામની કદર કરો, કરમાં રાહત આપો, એવી માગણી રાણાએ કરી હતી. 
 અનાજ કઠોળ બજારના એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે લૉકડાઉનમાં બધા ક્ષેત્રોને આર્થિક નુકશાની થઈ છે એટલે પૅકેજ આપવાનું પગલું યોગ્ય જ છે પરંતુ દેશના પ.80 કરોડના વ્યાપારી સમાજને એકપણ રાહત અપાઈ નથી. આ વેપારી સમાજને ઘર ચલાવવું છે, લાઈટ બીલ ભરવાં છે,બાળકોની શાળા કોલેજોની ફી ભરવાની છે, જીએસટી- ઈન્કમ ટેક્સ, ટૉલ ટેક્સ, મંડી ટેક્સ ભરવાનો છે.તેમને કોઈ રાહત અપાઈ નથી, જ્યારે કોર્પોરેટ ક્ષેત્રને અનેક રાહતો અપાઈ છે. મોટા લોકોને ત્રણ મહિનાની નુકશાની સામે દશ ગણી રાહત અપાઈ છે,એમ આક્રોશ પૂર્વક વોરાએ જણાવ્યું હતું. 
 તેમણે કહ્યું હતું કે જેમના મતોથી સરકાર ચૂંટાઈ આવી છે તેને જ સરકાર ભૂલી ગઈ. સરકારે તત્કાળ આ વાતો પર ધ્યાન આપીને વેપારી સમાજ માટે યથા યોગ્ય સર્વગ્રાહી પૅકેજ જાહેર કરવો જોઈએ.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer