ચોથા ધોરણનો કચ્છી જૈસલ શાહ ઓનલાઈન રમાતી ત્રણ ચેસ સ્પર્ધામાં વિજેતા બન્યો

ચોથા ધોરણનો કચ્છી જૈસલ શાહ ઓનલાઈન રમાતી ત્રણ ચેસ સ્પર્ધામાં વિજેતા બન્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : લૉકડાઉનના સમયમાં રમાતી ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટમાં દાદરમાં રહેતો 10 વર્ષીય કચ્છી ખેલાડી જૈસલ શાહ ઝળકી ઉઠયો છે. ઉપરાઉપરી ત્રણ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો છે.
શુક્રવારે રમાયેલી ચેસ પ્રેક્ટિસ ટુર્નામેન્ટ તેણે જીતી હતી તો ગુરુવારની પ્રેક્ટિસ ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો હતો. આ બન્ને ટુર્નામેન્ટમાં ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ રમ્યા હતા.
કવિઓ સમાજનો જૈસલ વિલેશ શાહ પ્રતિભાશાળી ચેસ ખેલાડી છે. ગયા રવિવારે ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટ રમાઈ હતી જે ચેસડોટકોમ અને વિઝડમ ચેસ એકેડમીએ યોજી હતી. એમાં પણ એણે ભાગ લીધો હતો. દેશભરમાંથી કુલ 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જૈસલ તમામ પાંચ રાઉન્ડ જીત્યો હતો. તેને ડાયમંડ પ્રિમિયમ મેમ્બરશિપ મળી હતી. ચેસડોટકોમ વેબસાઈટ પર સામાન્ય રીતે વિશ્વભરના ચેસ ગ્રાન્ડ માસ્ટર ભાગ લેતા હોય છે.
જૈસલ દસ વર્ષની વયે ઓપન કેટેગરીમાં રમીને નાની વયે ખ્યાતનામ બની ગયો છે તે તાજેતરમાં કેરીઅરની એકસોમી ટુર્નામેન્ટ જીત્યો છે. જૈસલ પરેલની જેબીસીએન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણે છે. 

Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer