મુંબઈમાં આજથી દારૂની હોમ ડિલિવરી શરૂ

મુંબઈમાં આજથી દારૂની હોમ ડિલિવરી શરૂ
મુંબઈ, તા 22 : શહેરના દારૂના શોખીનો માટે આનંદના સમાચાર છે. હવે કન્ટેન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર મુંબઈમાં દારૂની હૉમ ડિલિવરી થઈ શકશે. મુંબઈ મહાપાલિકાએ આજે, શુક્રવારે આ અંગેનો એક પરિપત્ર બહાર પાડ્યો છે. ઈ-કૉમર્સ કંપનીઓ પણ દારૂની હૉમ ડિલિવરી કરી શકશે. શનિવારથી આ નિર્ણયનો અમલ શરૂ થશે. 
રાજ્ય સરકારે થોડા દિવસ અગાઉ રાજ્યમાં રેડ ઝોનને બાદ કરતા તમામ વિસ્તારોમાં દારૂની હૉમ ડિલિવરી માટે શરતી પરવાનગી આપી હતી. મુંબઈનો સમાવેશ રેડ ઝોનમાં હોવાથી દારૂની હૉમ ડિલિવરી શરૂ થઈ શકી નહોતી. હવે, મુંબઈમાં પણ ઘેર બેઠા દારૂ મળી શકશે. કન્ટેન્મેન્ટ ઝોનને બાદ કરતા શહેરભરમાં દારૂના વેચાણને પરવાનગી અપાઈ છે. આ પ્રકારનો પરિપત્ર મહાપાલિકાએ પ્રસિદ્ધ કર્યો છે. ઉપરાંત ઈ-કૉમર્સ કંપનીઓને પણ દારૂની હૉમ ડિલિવરી કરવાની પરવાનગી અપાઈ છે. જોકે દારૂની દુકાનોને વેચાણની પરવાનગી આપવામાં આવી નથી એવી સ્પષ્ટતા પણ સર્ક્યુલરમાં કરવામાં આવી છે. 
કન્ટેન્મેન્ટ ઝોનને બાદ કરતા લાઇસંસધારક વિક્રેતા, સીલબંધ બોતલ પરમીટ ધારક ગ્રાહકને એના ઘરના સરનામે મોકલાવી શકશે એમ પરિપત્રમાં જણાવ્યું છે. દુકાનમાંથી માલ વેચી શકાશે નહીં. રાજ્ય સરકાર અને રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવામાં આવશે એમ મહાપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer