કોરોનાને લીધે નાના નર્સિંગ હોમ તકલીફમાં, કેટલાક બંધ કરવાનું પણ વિચારે છે

કોરોનાને લીધે નાના નર્સિંગ હોમ તકલીફમાં, કેટલાક બંધ કરવાનું પણ વિચારે છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 :  કોરોનાના પ્રકોપને કારણે અનેક નાના નર્સિંગ હોમ તકલિફમાં આવી ગયા છે અને અમૂક ડોક્ટરે તેમના નર્સિંગ હોમ બંધ કરવાનું પણ વિચારી રહ્યા છે.
કાંદિવલીમાં ભાડાં પર ચલાવતા  આવા એક નર્સિંગ હોમના ડોક્ટરે કહ્યું હતું કે જ્યારથી કોરોનાનો પ્રકોપ વધ્યો છે ત્યારથી હોસ્પિટલમાં કોરોના સિવાયના દરદી આવવાના લગભગ બંધ થઈ ગયા છે. નોન-કોવિડ પેશન્ટ ફોન પર  કન્સલ્ટ તો કરે છે, પણ એમાંથી પાંચ ટકા લોકો પણ ફીના પૈસા આપતા નથી.
તેમણે કહ્યું હતું કે મારી હોસ્પિટલમાં કોરોનાનો એક પેશન્ટ મળતા સ્ટાફે પર્સનલ પ્રોક્ટેશન ઈક્વિપમેન્ટની માગણી કરી હતી. એ તેમને આપ્યા હતા, તેમનો પગાર વધારી આપ્યો હતો અને બાજુમાં રહેવાની-ખાવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. આમછતાં મારો અડધો સ્ટાફ મને છોડીને જતો રહ્યો છે. આયા અને વોર્ડ બોયે કરવાના કામ મારે કરવા પડે છે. મને મદદ કરતો ડોક્ટર પણ મને છોડી ગયો છે. રોજ 24-24 કલાક ખડેપગે રહેવું પડે છે.
હોસ્પિટલનું કે પોતાનુ નામ ન છાપવાની શરતે આ ડોક્ટરે કહ્યું હતું કે ભાડાની મારી હોસ્પિટલ ચલાવવાનો માસિક ખર્ચ દસ લાખની આસપાસ આવે છે અને પાલિકાએ કોરોનાની સારવાર માટે જે દર નક્કી કર્યા છે એ પોસાય એવા નથી. પાલિકા અમને મદદ કરશે એવી વાત પણ આવી હતી, પણ કોઈ દાદ આપતું નથી. પાલિકા જો મારી હૉસ્પિટલ હસ્તગત કરવા માગતી હશે તો હું ખૂશીથી તેમને સુપરત કરી દઈશ. મારી ઘણા નર્સિંગ હોમવાળા સાથે વાત થઈ છે. બધાની જ આ તકલીફ છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer