કોરોના દરદીના મૃતદેહથી ચેપ નથી ફેલાતો : હાઇકોર્ટ

કોરોના દરદીના મૃતદેહથી ચેપ નથી ફેલાતો : હાઇકોર્ટ
મુંબઈ, તા 22 : બૉમ્બે હાઇકોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ મહાપાલિકાને કોઈ પણ સ્મશાન કે દફનભૂમિમાં કોવિડ-19ના દરદીના મૃતદેહનો નિકાલ કરવાની સત્તા છે. એ સાથે કોર્ટે જણાવ્યુ હતું કે મૃતદેહને કારણે કોરોના વાઇરસનો ફેલાવો થતા હોવાના કોઈ આધારભૂત પુરાવા નથી. 
9 એપ્રિલે મુંબઈ મહાનગરપાલિકાએ 20 દફનભૂમિ અને સ્મશાનોને કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના અંતિમસંસ્કાર માટે નિશ્ચિત કરતો પરિપત્ર જારી કર્યો હતો. એને પડકારતી અનેક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી કરી રહેલી ચીફ જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ એસ.એસ. શિંદેની બનેલી બેન્ચે તમામ અરજીને કાઢી નાખતા ઉપરોક્ત નિરીક્ષણ કર્યું હતું. 
કોર્ટે નોંધ્યું હતું કે, બૃહન્મુંબઈ મહાપાલિકાએ જારી કરેલો પરિપત્ર કાયદા સાથે સુસંગત છે અને આ પ્રકારના મૃતદેહોના નિકાલ માટે સ્મશાન કે દફનભૂમિ નક્કી કરવાનો પાલિકા અધિકાર ધરાવે છે. બેન્ચે વધુમાં જણાવ્યું કે, કોવિડ-19 સંક્રમિત વ્યક્તિના મૃતદેહના નિકાલ માટે ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જારી કરેલી માર્ગદર્શિકાનું પાલિકા તથા અન્ય સંબંધિત તંત્રએ પાલન કરવાનું રહેશે. અરજી કાઢી નાખતા બેન્ચે જણાવ્યું કે કોવિડ-19 મૃતદેહને કારણે ફેલાતો હોવાના કોઈ આધારભૂત આંકડાઓ નથી. પાલિકાએ બાન્દ્રા કબ્રસ્તાનમાં કોવિડ-19 સંક્રમિત દરદીના મૃતદેહને દફનાવવાનો નિર્ણય લીધો એને સ્થાનિક રહેવાસી પ્રદીપ ગાંધીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પાલિકાએ આ અઠવાડિયાની શરૂઆતમાં કોર્ટને એફિડેવિટ દાખલ કરી જણાવ્યું હતું કે કોરોના વાઇરસ મૃતદેહને કારણે ફેલાતો નથી. અને આવા મૃતદેહના નિકાલ માટે તૈયાર કરાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer