મહારાષ્ટ્ર સરકારે ખાનગી હૉસ્પિટલોનાં 80 ટકા બિછાના પોતાના હસ્તક લીધાં

મહારાષ્ટ્ર સરકારે ખાનગી હૉસ્પિટલોનાં 80 ટકા બિછાના પોતાના હસ્તક લીધાં
સારવારનાં ખર્ચ પર મર્યાદા મૂકી 
મુંબઈ, તા.22: રાજ્યની ખાનગી હોસ્પિટલો સાથે કેટલાક દિવસ સુધી વાટાઘાટો કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે નોટીફિકેશન બહાર પાડીને રાજ્યભરની ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમના 80 ટકા બેડ પોતાના હસ્તક લીધાં હતાં. 
એકલા મુંબઈ શહેરમાં ખાનગી હોસ્પિટલોનાં 4400 બેડ હવે સરકાર હસ્તક આવી ગયાં છે. કોવિદ-19નાં ગંભીર દરદીઓની સારવાર માટે શહેરમાં બેડના ભારે અછત વર્તાય છે.  
રાજ્યમાં કોરોનાના દરદીઓના સંખ્યા 41642 ઉપર પહોંચી ગઈ છે , દેશના કુલ કેસોના ત્રીજા ભાગના એકલા મહાંરાષ્ટ્રના છે. નોટીફિકેશન હેઠળ એચ એન રિલાયન્સ, લીલાવતી, બ્રીચ કેન્ડી, જસલોક, બોમ્બે હોસ્પિટલ, ભાટિયા, વૉક હાર્ટ, નાણાવટી, ફોર્ટીસ, એલ એચ હિરાનંદાની, પી ડી હિન્દુજા સહિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે.  
આ હોસ્પિટલોમાં કોરોના અને અન્ય બિમારીઓની સારવારના ચાર્જ પર પણ સરકારે મર્યાદા બાંધી છે. સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે આ હોસ્પિટલોનાં બેડનું સંચાલન સેન્ટ્રલ પોર્ટલ દ્વારા થશે અને જ્યાં બેડ હશે ત્યાં દરદીને જવાનું કહેવાશે. 
કોવિદ-19ના દરદીના આઈસોલેશન વૉર્ડનો પ્રતિદિન ચાર્જ 4000 રૂપિયાથી વધુ નહીં વસૂલી શકાય. આઈસીયુનો દિવસનો ચાર્જ મહત્તમ 7500 રૂપિયા રહેશે. અને વેન્ટીલેટરનો એક દિવસનો ચાર્જ મહત્તમ 9000 રૂપિયા રહેશે. 
નવા ચાર્જમાં દવાઓ, ડૉકટરની કન્સલ્ટેશન ફી, નર્સીંગ, ફૂડ અને બેડ ચાર્જને આવરી લેવામાં આવશે.પરંતુ કોવિદ ટેસ્ટ,પીપીઈ, એમઆરઆઈ, સીટી સ્કૅન અને ટોસીલીઝુમાબ જેવી મોંઘી દવાનો ચાર્જ અલગથી લેવાશે. અગાઉ ખાનગી હોસ્પિટલમાં કોવિદ-19 ના દરદી પાસેથી એક દિવસનો વેન્ટીલેટરનો ખર્ચ 40000 થી 50000 રૂપિયા સુધી વસૂલાતો હતો. સરકારે ખર્ચ મર્યાદા મૂકતાં આ બધા ચાર્જમાં 82 ટકા જેટલો ઘટાડો થશે. 
પીપીઈ, પેસ મેકર, ઈન્ટ્રા ઓક્યુલર લેન્સ, સ્ટેન્ટ, કેથેટર, બલૂન, મેડીકલ ઈમ્પ્લાન્ટ વગેરેનો ચાર્જ પડતર કિંમતથી 10 ટકા વધારે વસૂલી શકાશે. મતલબ કે જો પીપીઈ હોસ્પિટલને 100 રૂપિયામાં પડયું હશે તો તેના મહત્તમ 110 રૂપિયા વસૂલી શકાશે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer