કોરોના વિરુદ્ધની લડતમાં ઉદ્ધવ ઠાકરે સરકારની નિષ્ફળતાના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર ધરણાં

કોરોના વિરુદ્ધની લડતમાં ઉદ્ધવ ઠાકરે સરકારની નિષ્ફળતાના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર ધરણાં
શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ કરી ભાજપની ટીકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીની સરકાર દ્વારા કોરોના વાઈરસનો મુકાબલો કરવામાં નિષ્ફળતા પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે ભાજપ દ્વારા વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ શુક્રવારે આંદોલન કરવામાં આવ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે પક્ષના મહારાષ્ટ્ર એકમની નરીમાન પૉઈન્ટ સ્થિત કચેરીની બહાર વરિષ્ઠ નેતા વિનોદ તાવડે અને મુંબઈ એકમના વડા મંગલપ્રભાત લોઢાની સાથે મોઢા ઉપવ કાળો માસ્ક અને હાથમાં કાળી રીબીન બાંધીને દેખાવોમાં સામેલ થયા હતા. તેઓના હાથમાં સરકારની નિષ્ફળતા દર્શાવતું લખાણ ધરાવતા પાટીયા હતા.
બોરીવલીમાં સાંસદ ગોપાળ શેટ્ટી અને વિધાનસભ્ય સુનીલ રાણે, કાંદિવલીમાં વિધાનસભ્ય યોગેશ સાગર તેમજ બાંદરામાં વિધાનસભ્ય આશિષ સેલાર, દહીંસરમાં વિધાનસભ્ય મનિષા ચૌધરી તેમજ ઘાટકોપરમાં ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાએ દેખાવોનું નેતૃત્વ કર્યું હતું. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે સરકારના ગેરવહીવટને લીધે મહારાષ્ટ્રમાં કોરોનાનો ઉપદ્રવ વકર્યો છે.
તેના જવાબમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી રાજકીય પક્ષો શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષને સોશિયલ મીડિયામાં ભાજપની આકરી ટીકા કરી હતી. કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે તબીબો, નર્સો અને પોલીસો કોરોના સામે લડી રહ્યા છે ત્યારે ભાજપ આ મુદ્દે રાજકારણ રમી રહ્યો છે. અમદાવાદમાં ગુરુવાર સુધી કોરોનાના 9449 કેસ અને 619 મૃત્યુ નોંધાયા છે તો શું ભાજપ ત્યાં પણ આ પ્રકારના દેખાવો કરશે. આંદોલનમાં ભાજપે નાના બાળકોને પણ સામેલ કરી તડકામાં ઊભા રાખ્યા એ શરમની બાબત છે.
શિવસેનાના મુખપત્ર `સામના'માં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની આફત ટાણે ભાજપનું આંદોલન `બૂમરેન્ગ' સમાન અર્થાત્ તેના માટેનું નુકસાનકારક સાબિત થશે. રાષ્ટ્રવાદીએ પણ ભાજપની ટીકા કરી છે.
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer