શ્રીલંકાની ટીમ આજથી પ્રેક્ટિસ કેમ્પનો પ્રારંભ કરશે

શ્રીલંકાની ટીમ આજથી પ્રેક્ટિસ કેમ્પનો પ્રારંભ કરશે
કોલંબો, તા.31: શ્રીલંકાની ક્રિકેટ ટીમ લગભગ અઢી મહિના બાદ કડક સ્વાસ્થ્ય નિયમો સાથે આવતીકાલ તા. 1 જૂનથી ફરી આઉટડોર પ્રેક્ટિસનો પ્રારંભ કરશે. કોવિડ-19ની મહામારીને લીધે શ્રીલંકામાં માર્ચથી ક્રિકેટની તમામ ગતિવિધિ ઠપ છે ત્યારે ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટની સિરિઝ માટે શ્રીલંકા પહોંચી હતી, પણ કોરોનાને લીધે તે તુરત સ્વદેશ પરત ફરી હતી અને આ શ્રેણી અનિશ્ચિત મુદત માટે અટકાવી દેવામાં આવી હતી. હવે આજે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ કહ્યંy છે કે 13 ખેલાડીની ટીમ 12 દિવસના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. જેની શરૂઆત રાજધાની કોલંબોમાં એક હોટેલમાં ફિટનેસ સેશન સાથે થશે. મેદાન પર અભ્યાસ સત્રનો પ્રારંભ મંગળવારથી કરવામાં આવશે. કેમ્પમાં ભાગ લેનાર કોચ, સહયોગી સ્ટાફ અને ખેલાડીઓને હોટેલ અને પ્રેક્ટિસ સ્થળ છોડવાની મંજૂરી મળશે નહીં. 
શ્રીલંકાની ક્રિકેટ ટીમને જૂન-જુલાઈમાં દક્ષિણ આફ્રિકા અને ભારતમાં ત્રણ-ત્રણ વન ડેની સિરિઝ રમવાની છે, જ્યારે ઓગસ્ટમાં બંગલાદેશની ટીમ શ્રીલંકા રમવા આવશે. જે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગતની શ્રેણી હશે. શ્રીલંકામાં પ્રમાણમાં કોરોના વાઇરસની સ્થિતિ કાબૂમાં છે. અહીં 1620 કેસ પોઝિટિવ નોંધાયા છે અને 10નાં મૃત્યુ થયાં છે.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer