જોગેશ્વરીની હોસ્પિટલમાં ઓક્સિજનનું દબાણ ઘટતાં બે કલાકની અંદર વધુ 7 દરદીનાં મૃત્યુ

જોગેશ્વરીની હોસ્પિટલમાં ઓક્સિજનનું દબાણ ઘટતાં બે કલાકની અંદર વધુ 7 દરદીનાં મૃત્યુ
બે સપ્તાહમાં એ રીતે 19 દરદીનાં મૃત્યુથી હાહાકાર 
મુંબઈ, તા.31 : પાલિકા સંચાલિત જોગેશ્વરી ટ્રોમા કેર સેન્ટરના આઈસીયુમાં શનિવારે રાતે એક વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે ઓક્સિજનનું દબાણ ઘટી જતાં કોવિડ-19 સાત દરદી ઓક્સિજન માટે તડપતાં તડપતાં પ્રાણ છોડ્યા હતા. બે સપ્તાહમાં આ બીજી દુર્ઘટના બનતાં હાહાકાર મચી ગયો છે. શનિવારનાં આ સાત મૃત્યુ સાથે આ હોસ્પિટલમાં ઓક્સિજનનું દબાણ એકાએક ઘટી જવાના કારણે બે સપ્તાહમાં 19 જણનાં કરૂણ મોત નીપજ્યાં છે. પરિણામે ત્યાંના ડૉક્ટરોની માનસિક હાલત ખરાબ થઈ હોવાનું જાણવા મળે છે.  
એક અંગ્રેજી અખબારમાં રવિવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ડૉક્ટરોએ હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ વિધા માનેને હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો વધારવા વારંવાર લખ્યું છે કારણકે આ હોસ્પિટલને હવે સંપૂર્ણ કોવિદ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. અહીં કોઈ પણ ચોક્કસ સમયે આઈસીયુમાંના 25 દરદીમાંથી લગભગ 15 દરદી ઓક્સિજન પર હોય છે.  
 દેખિતી રીતે જ પોતાનાં નામ નહીં આપવા માગતા ડૉક્ટરો અને નર્સોએ શનિવારની વહેલી સવારની એ પળોની યાદ અપાવતાં કહ્યું હતું કે અમારી કારકિર્દીમાં અમે આ અગાઉ ક્યારે પણ ઉપરા ઉપરી આવી રીતે દરદીઓને મૃત્યુ પામતાં જોયાં નથી.દોઢ કલાકમાં અમે સાત જણને ગુમાવી દીધા.
ઓક્સિજન મશીન સાથેનું ઈન્ડીકેટર સતત ઓક્સિજનનું ઓછું દબાણ દર્શાવતું હતું , દરદી શ્વાસ લેવા તડપતા હતા અને અમે કંઈ કરી શકીએ એ પહેલાં દરદીઓનાં પ્રાણ નીકળી ગયા હતા,એમ આ અહેવાલમાં એક ડૉક્ટરને ટાંકીને
જણાવ્યું છે.  
 જો કે ડૉ માનેએ આ દરદીઓનાં મૃત્યુ ઓક્સિજનનું દબાણ ઘટી જવાને લીધે થયા હતા એ વાતનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એ બે કલાક દરમિયાન આઈસીયુમાં કોઈ ડૉક્ટર હાજર નહોતા અને એવું કેમ બન્યું તેની તપાસ શરૂ કરાવી છે. ક્રીટીકલ કૅર દરદીઓની સંભાળ રાખવાની ફરજ રેસીડેન્ટ મેડીકલ ઓફિસરની છે.અમે એ શોધી કાઢીશું કે તેઓ ગેરહાજર કેમ હતા અને શા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહોતી આવી, એમ ડૉ માનેએ જણાવ્યું હતું.
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer