સુરતમાં આજથી હીરાબજાર અને કાપડ માર્કેટો ફરી ધમધમશે : વેપારીઓ બે મહિને દુકાને જશે

સુરતમાં આજથી હીરાબજાર અને કાપડ માર્કેટો ફરી ધમધમશે : વેપારીઓ બે મહિને દુકાને જશે
સુરત, તા. 31 : આવતી કાલથી અનલોક-1.0ની નવી ગાઇડલાઇન મુજબ સવારે ઉદ્યોગ-ધંધાને વેગવંતા બનાવવા માટે સરકારે છૂટછાટો આપી છે. લોકડાઉનનાં કારણે ઘરમાં બંધ વેપારીઓ આવતીકાલથી ફરી માર્કેટ જતાં થશે. સુરત મનપા કમિશનરે ઓડિયો સંદેશમાં કહ્યું છે કે, આવતીકાલથી સોશ્યલ ડીસ્ન્ટન્સીંગ સાથે હીરાબજાર અને કાપડમાર્કેટો ખુલશે. કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે તમામ દિશાનિર્દેશ વેપારીઓને અનુસરવાનાં રહેશે.  
લોકડાઉનનાં કારણે બે મહિના કરતાં વધુ સમયથી ઘરમાં બંધ વેપારીઓ ફરીથી કામે ચઢવા માટે આતુર બન્યા છે. કાપડમાર્કેટ અને હીરાબજાર ખુલવાનાં સમાચારથી કાપડનાં વેપારીઓ અને હીરાનાં દલાલોમાં આનંદ વ્યાપ્યો છે. બીજી તરફ સંગઠનો દ્વારા તમામ ધંધાર્થીઓને કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે ગાઇડલાઇનનું કડક પાલન કરવા કહ્યું છે.  
કાપડમાર્કેટ ખોલતા અગાઉ સેનીટાઇઝીંગનું કામ કરવું આવશ્યક હોવાથી પાંચેક દિવસ અગાઉથી જ કેટલીક માર્કેટોને સેનીટાઇઝીંગ કરવાનું શરૂ કરાયું છે. માર્કેટોને જે-તે એસોસીએશન દ્વારા સેનીટાઇઝ કરાવવામાં આવી છે જો કે દુકાનો વેપારીઓ પોતાની રીતે કરવાની રહેશે. માર્કેટમાં ભીડભાડ વધે નહિ તે માટે સંગઠનો દ્વારા નિયમાવલી બહાર પાડવામાં આવી છે. તમામ માર્કેટોમાં પ્રવેશનારનું ક્રિનીંગ કરવામાં આવે છે. તાપમાન વધુ આવશે તો વ્યકિતને પ્રવેશ આપવામાં નહિ આવે.  
સુરત મનપા દ્વારા કેટલાક પોઇન્ટથી સીટીબસ અને બીઆરટીએસ બસની સેવા શરૂ કરાશે. જેમાં 50 ટકા મુસાફરોને લેવામાં આવશે.  
Published on: Mon, 01 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer