હું શાકભાજી નથી વેચતો : જાવેદ હૈદર

હું શાકભાજી નથી વેચતો : જાવેદ હૈદર
બોલીવૂડમાં બાળકલાકાર તરીકે શરૂઆત કરીને આજે દબંગ-3 સહિતની કેટલીય ફિલ્મોમાં અભિનય કરનારો જાવેદ હૈદર તાજેતરમાં લૉકડાઉનને પગલે શાકભાજી વેચતો હોવાનો વિડિયો વાઈરલ થયો છે. જાવેદ પોતાની આગાવી સ્ટાઈલમાં શાકની લારી પાસે ઊભો છે અને ડાન્સ કરે છે તથા ગીત ગાય છે અને ટિકટોપ વિડિયો બનાવે છે. આ વિડિયો વાઈરલ થતાં જ કલાકારમાંથી શાકભાજી વેચનારો બની ગયેલા જાવેદની બધાને દયા આવતી હતી. પરંતુ હકકીત એ છે કે જાવેદ શાક વેચતો નથી અને તે પૈસેટકે સુખી છે અને પોતાના પરિવાર સાથે સારી રીતે રહે છે.   
જાવેદ જણાવ્યું હતું કે, ના, હું શાક વેચતો નથી. મારો વ્યવસાય અભિનય કરવાનો જ છે. શાક વેચવાનો વિડિયો તે માત્ર એક અભિનય હતો અને હું આ ટિકટોક વિડિયો દ્વારા મારા ફૉલોઅર્સને કહેવા માગતો હતો કે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. મને ખ્યાલ નહોતો કે મારા વિડિયોથી લોકો મને શાક વેચનાર સમજશે. ડોલી બિન્દરાજીએ આ વિડિયો સોશિયલ મિડિયા પર મૂકીને મારા શાક વેચવાના દિવસો આવી ગયા એવું લખ્યું હતું. મેં તેમની ભૂલ સુધારી હતી અને કહ્યું હતું કે ,મેં તો માત્ર અભિનય કરવા પૂરતો જ વિડિયો બનાવ્યો હતો. પરંતુ લોકોએ મારા તે ખુલાસાને જોયો નહીં અને રાતોરોત વિડિયો વાઈરલ કરી દીધો. ઈશ્વરની કૃપાથી હજુ થોડા મહિના કામ નહીં મળે તો પણ હું સામાન્ય જીવન જીવી શકીશ. અને જો કદાચ ભવિષ્યમાં મારે શાક વેચવાનો વારો આવે તો પણ મને તેમાં શરમ નહીં લાગે.   
બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર જાવેદ છેલ્લા 23 વર્ષથી બોલીવૂડમાં છે અને તેણે 300થી અધિક ફિલ્મમાં અભિનય કર્યો છે.   
થોડા દિવસ અગાઉ આ જ રીતે કલાત્મક રીતે કોથમીર વેચનારાનો વિડિયો પણ વાઈરલ થયો હતો જે બાદમાં મરાઠી કલાકાર હોવાની જાણ થઈ હતી અને તેણે સમય પસાર કરવા આ વિડિયો બનાવ્યો હતો.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer