હવે આલિયા ભટ્ટની `સડક-ટુ'' પણ ઓટીટી પર રિલીઝ થશે

હવે આલિયા ભટ્ટની `સડક-ટુ'' પણ ઓટીટી પર રિલીઝ થશે
કોવિડ-19ની મહામારીને પગલે દુનિયાની મોટા ભાગની પ્રવૃત્તિઓ થંભી ગઈ છે. લૉકડાઉન તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવે છે છતાં જનજીવન પૂર્વવત્ કયારે થશે તેની કોઈને જાણ નથી. આવામાં બોલીવૂડની ફિલ્મો થિયેટરને બદલે અૉવર ધ ટૉપ (ઓટીટી) પર રિલીઝ થવા લાગી છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાના અભિનિત ગુલાબો સિતાબો એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ. હવે મહેશ ભટ્ટની ફિલ્મ સડક-ટુ પણ ઓટીટી પર રિલીઝ થશે એવી જાહેરાત તેમના ભાઈ અને ફિલ્મની નિર્માતા મુકેશ ભટ્ટે કરી છે. 1991માં મહેશ ભટ્ટે બનાવેલી ફિલ્મ સડકની સિકવલ સડક-ટુમાં મૂળ ફિલ્મની જોડી પૂજા ભટ્ટ તથા સંજય દત્ત તો દેખાશે જ અને તેમની સાથે આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, જીશુ સેનગુપ્તા અને ગુલશન ગ્રોવર છે.   
મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, મારે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડયો છે. અત્યારે ટકી રહેવા માટે આ ઉત્તમ ઉપાય છે. કેટલાક નિર્ણયો આપણે પસંદગીને આધારે નહીં પરંતુ ફરજિયાતપણે લેવા પડે છે.   
એવું નથી કે સડક-ટુ જ ઓટીટી પર રિલીઝ થશે. વિદ્યા બાલન અભિનિત શકુંતલા દેવી-હ્યુમન કૉમ્પ્યુટર, જાન્હવી કપૂર અભિનિત ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ, અક્ષયકુમારની લક્ષ્મી બૉમ્બ, અજય દેવગણની ભૂજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા પણ ઓટીટી પર રજૂ થવાની છે. મુકેશ ભટ્ટે ઉમેર્યું કે, રોજેરોજ કોરોનાના ચેપીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. આ સ્થિતિમાં થિયેટર કયારે ખુલશે તે કહેવું મુશ્કેલ છે. વળી થિયેટર ખુલ્યા અને સડક-ટુ થિયેટરમાં રજૂ કરીએ તો પણ તેને જોવા કોણ જશે? દરેકને પોતાની તથા પરિવારની જિન્દગી વહાલી હોય છે. આજે જીવન વધુ મહત્ત્વનું છે. વળી ફિલ્મો ઓટીટી પર રજૂ કરીએ છીએ એનો અર્થ એ નથી કે થિયેટરો બંધ પડી જશે. લોકોની ઘરની બહાર નીકળવું અને મોટી ક્રીન પર ફિલ્મ જોવી ગમે જ છે. એટલે સંજોગો બદલાયા બાદ ફરી થિયેટરો ધમધમતા થશે જ. પરંતુ ત્યાં સુધી તો ઓટીટીનો ઉપાય અજમાવવો જ રહ્યો.   
જો કે, સડક-ટુનું બે દિવસનું શાટિંગ બાકી છે. હવે ટીવી સિરિયલોની જેમ ફિલ્મના શાટિંગ શરૂ થવાના છે. એટલે આ બે દિવસનું શાટિંગ પૂરું કરીને ફિલ્મનું પોસ્ટ પ્રોડકશનનું કામ પૂરું થતાં જ તેને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer