ત્રણ લાખ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ એકમોને પીએનબીએ રૂ.6757 કરોડની લોન આપી

ત્રણ લાખ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ એકમોને પીએનબીએ રૂ.6757 કરોડની લોન આપી
ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ અંતર્ગત 
મુંબઈ, તા.29: પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી) સરકારની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ (ઈસીએલજીએસ) અંતર્ગત લઘુ અને મધ્યમ એકમોને સૌથી વધુ લોન આપનારી બૅન્ક બની છે.  પીએનબીએ 25 જૂન સુધીમાં ગેરેન્ટી ઈમરજન્સી ક્રેડિટ લાઈન (જીઈસીએલ) અંતર્ગત 2,96,753 પાત્ર એમએસએમઈને રૂ.6757 કરોડની લોન મંજૂર કરી છે. આમાંથી 59,204 એમએસએમઈને રૂ.2030 કરોડની ફાળવણી થઈ ચૂકી છે. 
વર્ષ 2017થી યુનાઈટેડ નેશન 27 જૂનને ઈન્ટરનેશનલ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ (એમએસએમઈ) દિન ગણે છે. આ વર્ષની ગ્લોબલ થીમ હતી- એમએસએમઈ- સામાજિક જરૂરિયાતમાં પ્રથમ પ્રતિભાવ આપનાર. ભારત સરકાર પણ એમએસએમઈને વિશેષ મહત્વ આપે છે. આ ક્ષેત્ર દેશનો બીજા ક્રમનો સૌથી મોટો નોકરીદાતા છે.  
 પીએનબીના મેનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ એસ.એસ. મલ્લિકાર્જુના રાવે કહ્યું કે,લોકડાઉન દૂર થયા બાદ તેમનુ કામકાજ ફરી શરૂ થતા અર્થતંત્રને ગતિ મળશે. અમે એમએસએમઈ ક્ષેત્રને આર્થિક  કટોકટીમાંથી બહાર આવવા માટે સહાય કરીને દેશના અર્થતંત્રને ફરી ધમધમતુ કરીશું. 
દેશના એમએસએમઈ ક્ષેત્રને ત્વરિત ક્રેડિટની જરરૂ છે જેથી તેઓ કાર્યકારી મૂડીમાં વાપરીને કામકાજ ફરી શરૂ કરી શકે. વર્તમાન પડકારરૂપ પરિસ્થિતિને લીધે એમએસએમઈને નુકસાન થયુ હોવાથી તે અગાઉની લોનની ચૂકવણી પણ કરી શકી નથી. આથી સરકારે 100 ટકા ગેરેન્ટી ક્રેડિટ 31 ઓક્ટોબર સુધી આપવાનો નિર્ણય લીધો છે. 
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer