આર્થિક વિકાસ ઘટવાના ડરથી સોનામાં તીવ્ર ખરીદી

આર્થિક વિકાસ ઘટવાના ડરથી સોનામાં તીવ્ર ખરીદી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 29 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ મક્કમ રહેતા ન્યૂયોર્કમાં 1772 ડોલરના મથાળે રનીંગ હતો. ચાંદી પણ 17.80 ડોલરના મથાળે સ્થિર હતી. ગયા અઠવાડિયામાં સોનું આઠ વર્ષની ટોચ નજીક પહોંચ્યું હતુ. એ સાથે છેલ્લા ચાર વર્ષનો સૌથી સારો ત્રિમાસિકગાળો એપ્રિલથી જૂનનો રહ્યો છે. કોરોના વાઇરસના કેસ ફટાફટ વધી રહ્યા હોવાથી આર્થિક વિકાસની ચિંતા વચ્ચે સોનાને તેજીનું ઇંધણ મળી રહ્યું છે. 
અમેરિકામાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. રવિવારે વાશિંગ્ટન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યાં ફરીથી શહેર ખોલવાનું આયોજન તત્કાળ મુલતવી રખાયું છે. બ્રાઝીલ અને ભારતમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા હોવાથી ચિંતા વધતી જાય છે. સીએમસી માર્કેટના વિશ્લેષક કહે છે, સોનું 1800 ડોલર સુધી પહોંચવાની પૂરતી ક્ષમતા ધરાવે છે. કોરોનાને કારણે તેજી ઝડપથી આવશે. યુરોપ અને એશિયાના દેશોમાં સ્લોડાઉન તીવ્ર બને તેવી શક્યતા દેખાય છે એટલે સોનું સલામત રોકાણ તરીકે ખરીદવામાં આવશે. 
એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતોમાં શુક્રવારે 0.3 ટકાનો વધારો થતા 1178 ટનની રહી હતી. સટ્ટોડિયાઓએ કોમેક્સ વાયદામાં બન્ને ધાતુઓમાં નવી પોઝીશનો લેતા ઉભાં ઓળિયાની સંખ્યામાં વધારો નોંધાયો છે. ટેકનિકલ રીતે સોનું 1778 ડોલરનું સ્તર વટાવીને બે ત્રણ દિવસ બંધ ન આવે ત્યાં સુધી 1800નો માર્ગ મોકળો થશે નહીં. 1740 ડોલર ટેકારુપ સ્તર છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 300 વધતા રુ. 49500 અને ચાંદીનો ભાવ એક કિલોએ રુ. 200 વધીને રુ. 48200 હતો. મુંબઇમાં સોનું રુ. 320 વધીને રુ. 48554 અને ચાંદી રુ. 280 વધીને રુ. 48565 હતી.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer