નફારૂપી વેચવાલીએ શેરોમાં નરમાઇ : સેન્સેક્સમાં 210, નિફટીમાં 71 પોઈન્ટ્સ ઘટ્યા

નફારૂપી વેચવાલીએ શેરોમાં નરમાઇ : સેન્સેક્સમાં 210, નિફટીમાં 71 પોઈન્ટ્સ ઘટ્યા
મેટલ, ફાઇના. કંપનીઓના શેરમાં નફારૂપી વેચવાલી  
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.29: વીતેલા સપ્તાહના અંતે શરૂ થયેલી વેચવાલીનો દોર આજે આગળ વધ્યો હતો. નવા કોઈ સારા કારણોની ગેરહાજરીમાં તેજીવાળાએ નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. નાણાકીય ક્ષેત્રની કંપનીઓ અને મેટલના શેરમાં વેચવાલી આવતા સૂચકાંકોમાં ઘટાડાઓ હતો. રાટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતીય અર્થતંત્ર માટે ચિંતા વ્યક્ત કરતા રોકાણકારો સાવચેત હતા.આ એજન્સીના કહેવા પ્રમાણે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ આ નાણકીય વર્ષમાં પાંચ ટકા જેટલી ઘટશે. વૈશ્વિક ધોરણે કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવાથી તેની અસર હેઠળ પણ વૈશ્વિક શૅરબજારો ઘટ્યા હતા. 
 બીએસઈ સેન્સેક્સ 210 પોઈન્ટ્સ (0.6 ટકા) ઘટીને 34,961.52 બંધ રહ્યો હતો.દિવસ દરમિયાન સેન્સેક્સ વધીને 35,032.36 અને ઘટીને 34,662.06 થયો હતો. એનએસઈનો નિફ્ટી 71 પોઈન્ટ્સ (0.68 ટકા) ઘટીને 10,312 બંધ રહ્યો હતો.  
એક્સિસ બૅન્ક, ઈન્ડસઈન્ડ બૅન્ક અને બજાજ ફાઈનાન્સના શૅર ચાર ટકા ઘટ્યા હતા. ગયા અઠવાડિયાના અંતમાં એસએન્ડપીએ એક્સિસ બૅન્ક અને બજાજ ફાઈનાન્સા રાટિંગ ડાઉનગ્રેડ કર્યા હતા. માર્ચ ત્રિમાસિક નાણાકીય પરિણામની જાહેરાત બાદ આઈટીસીનો શૅર ચાર ટકા વધ્યો હતો. 
મંગળવારે વોડાફોન આઈડિયાના માર્ચ ત્રિમાસિક પરિણામ જાહેર થાય તે પહેલા તેનો આજે શૅર સાત ટકા જેટલો વધ્યો હતો. સતત ત્રણ દિવસથી આ શેરવધી રહ્યો છે. શુક્રવારે નીચામાં રૂ.9.27 થયા બાદ 18 ટકા વધ્યો છે. 
નિફટી પર ક્ષેત્રવાર સૂચકાંકોમાં  એફએમસીજીને બાદ કરતા દરેક સૂચકાંકો ઘટ્યા હતા. પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ ત્રણ ટકાથી પણ વધુ અને મેટલ ઈન્ડેક્સ 2.64 ટકા ઘટ્યા હતા. બીજી બાજુ એફએમસીજી 0.72 ટકા વધ્યો હતો. મિડકેપ 100 ઈન્ડેક્સ 1.6 ટકા અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 1.38 ટકા ઘટ્યો હતો. 
વૈશ્વિક બજારો 
કોરોના વાયરસનો કહેર વૈશ્વિક અર્થતંત્ર ઉપર યથાવત્ રહેલા વૈશ્વિક શેરબજારો બે અઠવાડિયાની નીચલી સપાટીએ હતા. ક્રૂડ તેલના ભાવ બે ટકા ઘટ્યા હતા. પરિણામે રોકાણકારોએ બોન્ડ્સ અને ગોલ્ડને પ્રાધાન્ય આપી રહ્યા છીએ. 
યુરોપના શૅર્સ નીચા મથાળે ખૂલ્યા હતા. એશિયાના શૅર્સ ઘટાડે બંધ રહ્યા હતા. એમએસસીઆઈનો વર્લ્ડ શૅર્સ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટ્યો હતો. જપાનનો નિક્કી 2.2 ટકા ઘટ્યો હતો, જ્યારે ચીનનો બ્લુ ચીપ 0.9 ટકા ઘટ્યો હતો. જ્યારે એસએન્ડપી 500ના ઈ-મીની ફ્યૂચર્સ 0.1 ટકા વધ્યા હતા. 
બ્રેન્ટ ક્રૂડ 84 સેન્ટ્સ (બે ટકા) ઘટીને પ્રતિ બેરલ 40.18 ડોલર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે યુએસ ક્રૂડ 72 સેન્ટ્સ (1.8 ટકા) ઘટીને 37.77 ડોલર ટ્રેડ થઈ રહ્યા હતા. 
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer