બિલ્ડરો માટે નવી મુસીબત : જીએસટીનું ભારણ વધશે

બિલ્ડરો માટે નવી મુસીબત : જીએસટીનું  ભારણ વધશે
રજી. ડીલર્સ પાસેથી 80 ટકા મટીરીયલ નહીં ખરીદનારને માથે આફત 
નવી દિલ્હી, તા. 29: દેશમાં લોકડાઉનના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર લગભગ સ્થગિત છે ત્યારે તેમના માટે એક નવી સમસ્યા તૈયાર થઈ છે. આ સમસ્યા એ છે કે જે  બિલ્ડર્સે  રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી કમ સે કમ 80 ટકા બિલ્ડીંગ મટિરિયલ્સની ખરીદી નહીં કરી હોય તો તેમને 18 ટકા જેટલો જીએસટી વેરો ભરવો પડશે.  
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીએસીસી) એ આદેશ આપ્યો છે કે રજિસ્ટર્ડ ડીલર પાસેથી 80 ટકાની મહત્તમ મર્યાદાથી ઓછી માત્રામાં બિલ્ડીંગ મટિરિયલની ખરીદી થઈ હશે તો 18 ટકા જીએસટી ભરવો પડશે.  
સીબીઆઇસીની ફિલ્ડ ઓફિસોને સૂચના અપાઈ છે કે તેઓ વેપારી સમુદાયને માર્ચમાં પુરા થયેલા નાણાં વર્ષ માટે ટેક્સ 30મી જૂન સુધીમાં ભરવાનું કહે. આ વિશેના ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યા છે.  
રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી બાંધકામ સામાનની ખરીદી જો 80 ટકાથી ઓછી થઈ હશે તો રિયલ એસ્ટેટ ક્ષેત્રના કરદાતાઓને કોવિદ એક્સ્ટેન્શન નહીં મળે, એમ એએમઆરજી એસોસિએટ્સના રજત મોહને જણાવ્યું હતું.  
ભારતમાં કોવિદ રોગચાળા બાદ સૌથી ખરાબ અસર બાંધકામ ક્ષેત્રને થઈ છે. લોકડાઉનના કારણે બાંધકામ સામગ્રીનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને કામદારો તેમના વતન જતાં રહ્યાં હોવાથી અનેક પ્રોજેક્ટ્સ ઠપ થયા છે.  
આવી સ્થિતિમાં રિયલટર્સ રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી 80 ટકા બાંધકામ સામગ્રી ખરીદી શકે તે શકયતા નથી, માર્ચ 2019માં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એવો જીર્ણય લેવાયો હતો કે જે બિલ્ડર્સ રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી 80 ટકા બાંધકામ સામગ્રી ખરીદશે તેમને સસ્તાં ઘરોના નિર્માણ સામે માત્ર એક ટકા જીએસટી અને અન્ય નિવાસી ઘરો માટે 5 ટકા જીએસટી ભરવો પડશે અને તે સામે ઇનપુટ ટેક્સ ક્રેડિટની સુવિધા નહીં મળે.  
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer