બેન્કની બેદરકારીથી ખાતેદારના રૂ. 54 લાખ સલવાયા

અમારા પ્રતિનિધિ દ્વારા 
મુંબઈ, તા. 29 : સરકારી માલિકીની બેન્કની બેદરકારીથી એક ખાતેદારના રૂ. 54 લાખ સલવાઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 
મુંબઈ શેરબજારમાં વર્ષોથી શેરબ્રાકિંગનું કામકાજ કરતાં યોગિની એમ. સહિતાએ 9 જૂનના રોજ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્ટોક એક્સચેન્જ બ્રાન્ચને આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) મારફત અમદાવાદની એક પાર્ટીને રૂ. 6 લાખ ચૂકવવાની સૂચના આપી. આરટીજીએસ વ્યવહારો માટેના  બેન્કના છાપેલા ફોર્મ પર બધી વિગતો અને જરૂરી રકમના ચેક સાથે આ સૂચના અપાઈ હતી. ચૂકવણાની રકમ યોગિનીબેનના કરંટ એકાઉન્ટમાં ઉધારવાની  હતી. 
બેન્કની બેદરકારીથી અમદાવાદની પાર્ટીને રૂ. 6 લાખને બદલે રૂ. 60 લાખનું પેમેન્ટ થઇ ગયું અને એ રકમ (રૂ. 60 લાખ) યોગિનીબેનના ખાતામાં ઉધારી દેવામાં આવી. યોગિનીબેનને એસએમએસથી આની જાણ થતાં તેમણે તરત જ (માત્ર 15 મિનિટમાં) બેંકમાં પહોંચીને તેની ભૂલ તરફ ધ્યાન દોર્યું અને પેમેન્ટ ઉલટાવવાની માગણી કરી. બેંકે પોતાની ભૂલ કબૂલ કરી અને રિવર્સ રિકવેસ્ટ મોકલી. પરંતુ ત્યાં સુધીમાં સામી પાર્ટીએ પૈસા ઉપાડીને બીજે ફેરવી નાખ્યા હતા.   
ત્યાર બાદ યોગિનીબેને બેન્કની બ્રાન્ચ ઓફિસ, ઝોનલ ઓફિસ, કોમ્પ્લાયન્સ ઓફિસ અને ચીફ નોડલ ઓફિસમાં અનેક વાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. તેમણે  બેન્કના ઓમ્બુડ્ઝમાનને પણ લખ્યું છે.પરંતુ આજ સુધી તેમને તેમના ખાતામાંથી બેન્કની ભૂલને પગલે ઉઠાવી લેવાયેલા રૂ. 54 લાખ પાછા મળ્યા નથી. રૂબરૂ વાતચીતમાં સૌ તેમની ફરિયાદ વાજબી હોવાનું સ્વીકારે છે; પરંતુ લેખિતમાં કોઈ કશી જ ખાતરી કે કબૂલાત આપવા તૈયાર નથી. તેમના પૈસા ક્યારે પાછા મળશે એ વિષે પણ કોઈ કશું કહેવા માગતું નથી. 
`હાલના વિકટ સમયમાં આટલી મોટી રકમ વગર વાંકે  રોકાઈ રહે તે અસહ્ય છે. જો ગ્રાહકો સાથે આવો વર્તાવ થતો હોય તો બેંકો પર વિશ્વાસ કઈ રીતે રહે?` એમ યોગિનીબેનના પુત્ર અમિત સહિતાએ કહ્યું હતું. 
`અમે અમારી ઝોનલ ઓફિસને અને તેમ જ હેડ ઓફિસને આ બાબતની જાણ કરી છે. તેઓ આ ફરિયાદનો નિવેડો લાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે,` એમ બ્રાન્ચ મેનેજર કુશ ગણહોત્રાએ જણાવ્યું હતું.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer