વડોદરામાં વધુ 50 કોરોના પોઝિટિવ સાથે કુલ કેસ 2228

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા,તા,29,મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 50 પોઝિટિવ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2228 ઉપર પહોંચી ગઇ છે. પાલિકાએ આજે વધુ 3 દર્દીના મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 53 થયો છે. વડોદરામાં આજે વધુ 54 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 1563 સાજા થયા છે. વડોદરામાં હાલ 612 એક્ટિવ કેસ છે, જે પૈકી 129 ઓક્સિજન ઉપર અને 32 વેન્ટીલેટર પર છે. 
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 2 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 2 દર્દીના મોત થયા છે. આમ ભરૂચ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 13 ઉપર પહોંચ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 10 પોઝિટિવ કેસ સાથે કેસની કુલ સંખ્યા 220 ઉપર પહોંચી ગઇ છે. 
વડોદરા પાસે આવેલા બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ વરણામા ખાતેના કોવિડ કેર સેન્ટરમાંથી કોરોનાના 10 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ કોવિડ કેર સેન્ટરની સેવાઓને બિરદાવી હતી. સાજા થયેલા શંકરભાઇ ડામોરે જણાવ્યું હતું કે, મને અલગ રૂમ આપવામાં આવ્યો હતો. સ્ટાફ દ્વારા દિવસમાં ત્રણ વખત આરોગ્ય તપાસ કરવાની સાથે જરૂરી કાળજી લેવામાં આવી હતી. 
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer