બોરીવલીમાં ઝૂંપડા તોડવા ગયેલા એન્જિનિયરને શોકોઝ નોટિસ

મુંબઈ, તા. 29 : બોરીવલી (પ.)માં ગોરાઈ રોડ ઉપર ફૂલેનગર ઝૂંપડપટ્ટી તોડવા સામે વડી અદાલતનો 15મી જુલાઈ સુધી સ્ટે અૉર્ડર હોવા છતાં અને વરિષ્ઠ અધિકારીઓના આદેશની અવગણના કરીને તે તોડવાની હિલચાલ બદલ આર(મધ્ય) વોર્ડના સહાયક આયુક્તે કાપસેએ જુનિયર એન્જિનિયર સંદેશ જાધવને કારણદર્શક નોટિસ ફટકારી છે.
બોરીવલીમાં ગોરાઈ રોડ ઉપર આવેલી ફૂલેનગર ઝૂંપડપટ્ટી તોડવા માટે ગત 26મી જૂને પાલિકાના અધિકારીઓ કામદારો અને પોલીસો સાથે પહોંચ્યા ત્યારે ભાજપના સાંસદ ગોપાળ શેટ્ટી અને નગરસેવિકા અંજલિ ખેડકરે ત્યાં પહોંચ્યા હતા. તેઓએ ઝૂંપડાવાસીઓના પુનવર્સનની માગણી કરી હતી. બાદમાં ગત શનિવારે સહાયક આયુક્તે જુનિયર એન્જિનિયર જાધવને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 25મી જૂને ઉપાયુક્ત તરફથી જાધવને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવીહ તી કે ફૂલેનગર ઝૂંપડપટ્ટી તોડવા સામે હાઈકોર્ટનો 15મી જુલાઈ સુધી સ્ટે છે. આમ છતાં જાધવે તે સૂચનાની અવગણના કરી હતી. જાધવ પાલિકાના કામદારો, પોલીસો અને યંત્રસામગ્રી લઈને ફૂલેનગર પહોંચ્યા પછી ત્યાં પહોંચેલા શેટ્ટીએ તે અંગે કરેલા ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ફરતો થયો હતો. તેથી પાલિકાની ઈમેજ ઝંખવાઈ છે એમ શોકોઝ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. તેથી જાધવે માત્ર ત્રણ દિવસમાં કારણદર્શક નોટિસનો ઉત્તર આપવો. અન્યથા તેઓ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer